નિઝરના નાસરપુર ગામમાં બની રહેલ આર.સી.સી. માર્ગનાં કામમા ગોબાચારીની રાવ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : નિઝર તાલુકાના રાયગઢ ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થતા નાસરપુર ગામમાં 14માં નાણાપંચની ગ્રાંટમાંથી આર.સી.સી. રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ આર.સી.સી. માર્ગ અરવિંદભાઇ વસાવેના ઘરથી અજુઁનભાઇ આત્યૉભાઇ વસાવેના ઘર સુધી બનાવાય રહ્યો છે. આ આર.સી.સી.માર્ગનું કામ અધુરુ છોડી દેવાયું છે. હાલમાં આર.સી.સી.રસ્તાનું કામ અશોકભાઇ રમેશભાઇ પાડવીના ઘરથી સુધાકરભાઇ મગનભાઇ વસાવેના ઘર સુધી શરૂ કરવામાં આવેલ છે. પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર , આર.સી.સી. રસ્તામાં સળીયા વગર સિમેન્ટ કપચીનો માલ બનાવીને પાથરી દેવામાં આવી રહ્યો છે. બે થી ત્રણ કલાકમાંજ આર.સી.સી. રસ્તાઓ તૈયાર કરી દેવામાં આવે છે. ત્યારે માર્ગની આવરદા અને ગુણવત્તા ઉપર સવાલો ઉભા થયા વગર રહેતા નથી. 14માં નાણાપંચના ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ આર.સી.સી. રસ્તાઓ માત્ર છ મહિનામાં જ ખરાબ થઈ જાય છે. સિમેન્ટ કે બીજા મટીરિયલની ગુણવતા કોઇ અધિકારી ચકસતું નથી ? તાલુકા પંચાયત નિઝરના જવાબદાર અધિકારીઓ /કર્મચારીઓ ઓફિસમાંજ બેસીને આર.સી.સી. રસ્તાનાં કામનું મોનિટરિંગ કરે છે. શું તાલુકા પંચાયતની ઓફિસે જી.પી.આર.એસ. કે સીસીટીવી કેમેરા ગોઠવ્યા ? જેનાથી તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ /કર્મચારીઓ સ્થળ પર ચકાસણી કરવા જતા નથી ? અને આર.સી.સી. રસ્તાની ચકાસણી કયૉ વગર જ બિલ પાસ કરી દેવામાં આવે છે. નિઝર તાલુકાના ગામોમાં થતા વિકાસનાં કામોમાં ભ્રષ્ટ્રાચાર વધી રહયો છે. વારંવાર ગ્રામપંચાયત રાયગઢના સભ્ય અબિતભાઇ આર. પાડવી દ્વારા નિઝર તાલુકાના ટીડીઓને ફરિયાદ કરવા છતા પણ આજ દિન સુધી તંત્ર આળસ ખંખેરતુ નથી ! શું નિઝર તાલુકાના અધિકારીઓ આખ કાન બંધ કરીને બેઠા છે ? લેભાગુ એજન્સી આર.સી.સી. રસ્તાઓ બનાવામાં હલકી કક્ષાના મટીરીયલનો વપરાશ કરતી રહે છે જેને રોકવા ટોકવા વાળુ કોઈ નથી ? ગુજરાત રક્ષાના અહેવાલમાં ખુલાસો કરાયો હતો કે, નિઝર તાલુકા પંચાયત કચેરી લેભાગુ કોન્ટ્રાકટરોનો અડ્ડો બની ગઈ છે. હાલમાં પણ નિઝર તાલુકા પંચાયત કચેરીનો માહોલ જેવો ને તેવો જ છે. શું નિઝર તાલુકા પંચાયત કચેરી લેભાગુ કોન્ટ્રાકટરો ચલાવે છે ? એનો પુરાવો જોવો હોય તો નિઝર તાલુકા પંચાયત કચેરીમાં જ જોવા મળી જાય છે ! લેભાગુ કોન્ટ્રાકટરો નિઝર તાલુકા પંચાયતની ઓફિસમાં જઇને અધિકારીનની ખુરશી ઉપર પગ લાંબા કરીને આરામ ફરમાવતા રહે છે.