આદિમ જૂથનો સર્વાગી વિકાસ એ જ સરકારશ્રીનું લક્ષ્ય : ડૉ. ડી. ડી. કાપડીયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જિલ્લામાં વ્યારા સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે વૈજ્ઞાનિક ઢબે બકરાપાલન વિષય ઉપર ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન તાપી જિલ્લાના માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ડી. ડી. કાપડીયાની અધ્યક્ષતામાં કરાયું હતું. જેમા વ્યારા તાલુકાના સાત ગામના કુલ ૪૦ જેટલા આદિમ જુથના બકરાપાલકોએ રસપૂર્વક હાજર રહી તાલીમ મેળવી હતી.
અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત તાપી જિલ્લાના માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ડી. ડી. કાપડીયાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે, આ કેન્દ્ર દ્વારા તાપી જિલ્લાના ખેડૂતો તથા પશુપાલકો માટે તાલીમ મારફત આવકલક્ષી ઉપાર્જન મળી શકે તે માટે સતત પ્રયત્ન થતા રહે છે. તાપી જિલ્લાનું પ્રશાસન પણ તેમની સાથે રહી સરકારશ્રીની યોજનાનો મહતમ લાભ બકરાપાલકો મેળવી શકે તે માટે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે મનરેગાની યોજના, ખેતીવાડી અને પશુપાલનની યોજના, દિકરા- દિકરીઓના ઉચ્ચ ભણતર માટેની યોજના વગેરે જેવી અનેકવિધ યોજનાઓની આછી જલક આપી હતી. તેમણે બકરાપાલકોના કોઈ પણ પ્રશ્નો હોય તો તેમાં ત્વરિત નિકાલ માટે પ્રશાસન કટિબધ્ધ છે તેમ જણાવ્યું હતું.
તાલીમની શરૂઆતમાં કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડયાએ ઉપસ્થિત સર્વે મહેમાનોને આવકારી સદર તાલીમનો હેતુ સમજાવી ભવિષ્યમાં પણ કેવીકે દ્રારા આયોજીત તાલીમનો લાભ લેવા માટે આહવાન કર્યું હતું.
સદર તાલીમમાં ડૉ. બ્રિજેશ શાહ, નાયબ પશુપાલન નિયામક પણ ઉપસ્થિત રહી તાલીમમાં હાજર બકરાંપાલકોને પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે હાલમાં બકરાંઘટકની એક યોજના જે અત્યારે શરૂ છે તેનો ત્વરિત લાભ મેળવવા જણાવ્યું હતું.
વનબંધુ પશુચિકિત્સા કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, નવસારીથી તજજ્ઞશ્રીઓ ડૉ. નિખિલ ડાંગર અને ડૉ. યોગેશ પઢેરીયા પણ આ સાથે ઉપસ્થિત રહી તેઓએ પણ બકરાઓના વૈજ્ઞાનિક ઉછેર માટે જરૂરી બાબતો જેવી કે, લવારા ઉછેર, બકરીની વિવિધ ઓલાદો, બકરા આહાર, સંવર્ધન, રહેઠાણ વગેરે વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી બકરાપાલકોને માહિતગાર કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન)એ કર્યું હતું. અંતમાં પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)એ આભારવિધિ કરી હતી.