“પ્રાકૃતિક ખેતી કરનાર એક સફળ ખેડૂત : શ્રી રતિલાલભાઈ વસાવા”
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલની પરિસ્થિતિમાં ખેડૂતો દ્વારા ખુબ જ વધુ પ્રમાણમાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાથી જમીનની તંદૂરસ્તી તો બગડે જ છે. પરંતુ સાથે સાથે માનવ સ્વાથ્ય ઉપર પણ વિપરીત અસર પડી રહી છે. પર્યાવરણ પણ પ્રદૂષિત થાય છે. જેનો હાલમાં એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી એટલે ભારતની પરંપરાગત ખેતી પધ્ધતિ મુજબ હાલના સમયમાં કરવામાં આવતી રસાયણમુક્ત ખેતી.
ગુજરાત સરકાર અને રાજ્યના ગવર્નર માનનીય દેવવ્રત આચાર્ય સાહેબ પણ પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ભાર મૂકી રહ્યાં છે. તાપી જિલ્લામાં લગભગ ૧૭૦૦ થી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. આત્મા-તાપીના સહયોગથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે તાપી જિલ્લાનાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતગર્ત ઉચ્છલ તાલુકાના માણેકપોર ગામના ખેડૂત શ્રી રતિલાલભાઈ વસાવાએ પણ વર્ષ: ૨૦૧૯ માં આણંદ જિલ્લાના વડતાલ ખાતે સાત દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી.
આ તાલીમ મેળવીને શ્રી રતિલાલભાઈ એ નિશ્વય કર્યો હતો કે હું મારી જમીનમાં હવેથી ક્યારે પણ રસાયણનો ઉપયોગ કરીશ નહી. અને પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવીને જ હું મારી ખેતી કરીશ. શ્રી રતિલાલભાઈ એ પોતાની જમીનમાં પંચસ્તરીય બાગાયતી જંગલ મોડેલ અપનાવ્યું છે. જેમાં આંબા, પપૈયા, સીતાફળ, ચીકુ, કેળા, જમરૂખ વિગેરે જેવા ફળ-ઝાડના પાકો; સરગવો, આદું, હળદર, ફૂદીનો, રીંગણ, જેવાં શાકભાજી પાકો મળીને કુલ ૧૫ થી વધારે પાકોનું વાવેતર કરેલ છે. જેમાં તેઓ જીવામૃત ટપક પધ્ધતિથી આપે છે અને જીવંત આચ્છાદાન કરે છે.
શ્રી રતિલાલભાઈ બીજાં ૧૩ ગુઠ્ઠામાં પણ પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં આંબા, પપૈયા, આદું, હળદર, જુદી-જુદી ભાજી વિગેરે ઉછેર્યા હતાં. જેમાં તેમણે ફકત રૂ. ૧૦,૦૦૦/- નો ખર્ચ કરેલ છે અને આવક રૂ. ૧,૧૦,૦૦૦/- મેળવેલ છે. આમ, તેમણે ૧૩ ગુઠ્ઠામાંથી એક વર્ષમાં રૂ.૧,૦૦,૦૦૦/- નો ચોખ્ખો નફો મેળવેલ છે.
શ્રી રતિલાલભાઈએ પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી તાપી જિલ્લાનાં ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી એક સફળ ખેડૂત તરીકે નામના પામેલ છે.
તાપી જિલ્લા પ્રસાશન દ્વારા તાપી જિલ્લાના પ્રાકૃતિક ખેતી/સેન્દ્રિય ખેતી કરતાં ખેડૂતો માટે તેઓના ખેત ઉત્પાદનના વેચાણ માટે કલેક્ટર કચેરીના મેઇન ગેટ પાસે સોમવાર, ગુરૂવાર અને શનિવારે વેચાણ વ્યવસ્થાનું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું છે.