વ્યારાના ઉચામાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયાની આગેવાનીમાં સ્વચ્છતા ઝુબેશ યોજાઇ : આજે ૫૨૧ ગામોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ
તાપી જિલ્લામાં “સ્વચ્છ ભારત” અંતર્ગત ૭૮૨થી વધુ વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોમાં અંદાજિત ૨૧ હજારથી વધુ લોકોએ સક્રિયભાગ લીધો
……………….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૩૧: “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર માસ દરમિયાન “સ્વચ્છ ભારત” અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન હેઠળ મારૂ ગામ સ્વચ્છ ગામ-સફાઇ ઝુંબેશ તાપી જિલ્લામાં આજે તમામ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ સ્વચ્છતા ઝુબેશ જનભાગીદારીથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉપલક્ષમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ વ્યારાના ઉચામાળા ખાતે સફાઇ ઝુંબેશમાં જોડાઇ ગ્રામ્યજનોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ગ્રામજનો સાથે પોતે સફાઈ કામગીરીમાં ભાગ લઇ પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કર્યો હતો અને સ્વચ્છતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા જાળવવીએ તે કામ નહીં પરંતુ સ્વભાવ બનાવી સ્વચ્છતાને આપણી જીવનશૈલીનો ભાગ બનાવવો જોઇએ તેમ જણાવી ઉમેર્યુ કે, આજે જિલ્લના ૫૨૧ ગામોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ ઉપસ્થિત સૌએ સ્વચ્છતાની શપથ લીધા હતા.
તાપી જિલ્લામાં સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન યોજાયેલ કાર્યક્રમોમાં જળસ્ત્રોતોની સફાઇ, ગામડાઓના બ્યુટીફીકેશનનું કામ તેમજ હેરિટેજ સાઇટ, યાત્રાધામો, શૈક્ષણિક સંકુલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, નેશનલ હાઈવે, સ્થાપત્યો, મંદિરો ધાર્મિક સ્થળો, પીએચસી-સીએચસી, હોસ્પિટલો, ગ્રામહાટ, દુધ મંડળીઓ, બાગબગીચા, આંગણવાડી તથા ગામની આસપાસના જાહેર સ્થળોની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી. તાપી જિલ્લાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની સાથે જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુ સાથે ૫૦ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તમામ ગામોમાંથી ઘરે-ઘરેથી અને સામુહિક રીતે પ્લાસ્ટીક એકજુઠ કરવામાં આવ્યા હતા. તમામ કાર્યક્રમોમાં યુવાનો, પ્રબુધ્ધ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠનો, ચુંટાયેલા પદાધિકારીઓ, અધિકારીઓ, સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થઈ સહયોગ આપ્યો હતો.
જિલ્લામાં સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન કુલ ૪૨૨ સ્થળોએ કચરો એક્ત્ર કરવામાં આવ્યો હતો. ૩૦૦ જેટલા ગામોમાં બ્યુટીફીકેશન, ૬૦ પરંપરાગત પાણીના સ્ત્રોતોની સફાઇ કરવામાં આવી, તથા ૭૮૨ વિવિધ સ્વચ્છતા અંગે જાગૃતતાના કાર્યક્રમો થયા જેમાં અંદાજિત ૨૧ હજાર લોકોએ વધુ લોકોએ સહર્ષ અને સક્રિયરીતે જોડાઇ જિલ્લાને સ્વચ્છ બનાવવા ભાગીદારી નોંધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષને દેશની આઝાદીના અમૃત મહોત્સવ ૭૫ વર્ષ નિમિત્તે સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા “ક્લિન ઇન્ડીયા” પ્રોગ્રામ અંતર્ગત રાજયના તમામ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ તા.૩૧મી ઓક્ટોબર ૨૦૨૧ સુધી સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મિશનનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે વધુ સભાનતા કેળવાય અને સ્વચ્છતા વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બની સ્વચ્છતા સંબંધી લોકોમાં જાગૃતિ અને સકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપવા માટે “Clean India Program” લોંચ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને ટકાવી રાખવા અને લોકોની આદત હકારાત્મક રીતે બદલવા જિલ્લામાં સ્વચ્છતાલક્ષી કાર્યો ભવિષ્યમાં પણ સતત કાર્યરત રહેશે.
૦૦૦૦૦૦૦૦૦૦