યુવા કલાકાર ભાઇ-બહેનો આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી આગળ ધપાવે તે જરૂરી : કલેક્ટર એચ.કે.વઢવાણિયા
વ્યારાના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય એક્તા પર્વ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
………..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૩૦: આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત-ગમત કચેરી તાપીના સહયોગથી આજરોજ રાષ્ટ્રીય એકતા પર્વ નિમિત્તે વ્યારાના ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે કલેક્ટરશ્રી એ આપણા દેશની સંસ્કૃતિ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, આપણો દેશ વિવિધતામાં એક્તાનો દેશ છે. અલગ અલગ જાતી, લોક કલા, લોક નૃત્યોથી સંપન્ન વિવિધ સંસ્કૃતિને આપણે પરંપરાગત રીતે સાચવી રાખી છે ત્યારે યુવા કલાકાર ભાઇ બહેનો આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી આગળ ધપાવે તે ખુબ જરૂરી છે.
કાર્યક્રમમાં ઉત્તર બુનિયાદી કન્યા શાળા બોરખડી, નુતન વિદ્યાલય સોનગઢ, સરસ્વતી કેંદ્ર કન્યા વિદ્યાલય અંબાચ, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ વાઝરડા દ્વારા રાસ ગરબા, આદિવાસી નૃત્ય, નૃત્ય નાટીકા અને સુરેશભાઇ ચૌધરી દ્વારા વાંસળીવાદનની કૃતિઓ પ્રેક્ષકોએ માણી હતી. જિલ્લા રમત-ગમત કચેરીના અધિકારી અમૃતાબેન ગામીતે સ્વાગત પ્રવચન જયારે ચીફ ઓફીસર એસ.બી.પટેલે આભાર દર્શન કર્યા હતા.
કાર્યક્રમમાં ન.પા પ્રમુખ સેજલ રાણા, વ્યારા પ્રાંત હિતેશ જોશી, મામલતદાર બી.બી.ભાવસાર, કારોબારી અધ્યક્ષ કુલિન પ્રધાન, ઉપપ્રમુખ સુધિર ચૌધરી, ટી.પી ચેરમેન પરેશ મીઠાવાલા સહિત શિક્ષણ વિભાગ, યુવા મંડળો અને વ્યારા નગરજનો સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહયા હતા. યુવા રમત-ગમત અધિકારી અમૃતા પટેલ અને ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦