“લાભાર્થીઓની યાદી બનાવવાથી લઇ લાભ આપવા સુધીના દરેક તબક્કેમાં જરૂરીયાતના આધારે પ્રાધાન્યતા આપવામાં આવે”
“લોકોના પ્રશ્નોનું નિવારણ કરી વહેલી તકે સુવિધા ઉપલબ્ધ કરાવીએ:” – સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા
…………….
વ્યારાના ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં ” દિશાની ” બેઠક મળી:
………..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૨૯: સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં આજે વ્યારા નગરપાલિકાના તરણકુંડ હોલ ખાતે “ડિસ્ટ્રીક્ટ ડેનલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી” “દિશા” ની બેઠક મળી હતી. આ બેઠકમાં માહે માર્ચ, જુન અને સપ્ટેમ્બર-૨૦૨૧ અંતિત થયેલ ભૌતિક અને નાણાંકિય પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત સાંસદશ્રીના આદર્શ ગ્રામ યોજનાની તથા તકેદારી આયોગ તરફથી મળેલ ફરિયાદ અરજીઓ તેમજ લોક ફરિયાદની અરજીઓની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યુ હતુ કે, મનરેગા યોજના હેઠળ આવાસોનું જીઓ ટેગીંગ બાકી હોય તે કામો વહેલી તકે પૂર્ણ કરી લાભાર્થી ને લાભ મળે તેની તકેદારી રાખવા અને ખાસ કરીને કટાસવણ, કરોડ, ઝુમકડી સહિત ચોખીઆંબી ગામ જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કારણે ઘરો પડી ગયા હતા એવા લોકોને પ્રાધાન્ય આપી વહેલી તકે આવાસ ફાળવવામાં આવે તેવું સુચન કર્યું હતું. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ જિલ્લાની બહેનોને લાભ મળે, નલ સેજલ યોજના હેઠળ પ્લાન મુજબ લાઇન નાખી દરેક ઘરને પીવાના પાણીનું કનેકશન મળે, દિવ્યાંગોને યોગ્ય સાધન-સુવિધા, શાળા/આંગણવાડીના ઓરડાઓ અને શૌચાલયની યોગ્ય વ્યવસ્થા હોય તે જોવું આપણી સૌને જવાબદારી છે એમ જણાવ્યું હતું. અંતે જિલ્લાના દરેક ખેડુત મિત્રો પોતાની વારસાઇ કરાવે જેથી તેઓનું પરિવાર કિસાન સન્માન નિધી યોજનાનો લાભ લઇ શકે તેવી અપીલ કરી હતી.
સાંસદશ્રીએ લાભાર્થીઓની યાદી બનાવવાથી લઇ લાભ આપવા સુધીના દરેક તબક્કામાં જરૂરીયાતના આધારે પ્રાધાન્યતા આપવામાં આવે એમ જણાવી જિલ્લાનો કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાનો લાભ લેવાથી વંચીત ના રહે તેની ખાસ તકેદારી રાખવા અમલીકરણ અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશાનુસાર આદર્શ ગ્રામની સમીક્ષા કરતા વ્યારાના ચીખલવાવ ગામ અને ઉચ્છલ તાલુકાના ગવાણ ગામમાં થયેલ વિકાસ કામગીરીને બીરદાવી હતી.
બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા અને પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા દ્વારા રજુ થયેલા પ્રશ્નો જેમાં જિલ્લામાં ડોલવણના હરીપુરા, રાયગઢ, ઉચ્છલના ગવાણ ગામોમાં મોબાઇલ ટાવરની કનેકટીવીટીના પ્રશ્નોની સમસ્યાનું નિવારણ કરી વહેલી તકે સુવિધા ઉપલબ્ધ કરાવવા સુચનો કર્યા હતા.
કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ તમામ માળખાકિય સુવિધાઓની જાણકારી આપીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશ કાપડિયાએ સંબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. ડીઆરડીએ નિયામક જે.જે.નીનામાએ સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.
બેઠકમાં વ્યારા પ્રાંત હિતેષ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત સહિત પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦