“સેવાનું સાચુ માધ્યમ એટલે સેવાસેતુ:” – શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાધાણી

૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ દ્વારા સેવાસેતુના માધ્યમથી લોકોના પ્રશ્નોનું ઘર આંગણે નિવારણ
તાપી જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમોનો શુભારંભ
(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા-તાપી) -૨૨:- રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસયુક્ત જીવન આપવા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’નો મંત્ર સાકાર કરવાનો સરકારનો અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે તેના ભાગ રૂપે રાજ્યમાં તા.૨૨ ઓકટોબર-ર૦ર૧ થી પ જાન્યુઆરી-ર૦રર સુધી સવારે-૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લાના ઉચ્છલમાં ઓદ્યોગિક તાલીમ સંસ્થા માણેકપોર ખાતેથી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીશ્રી જીતુભાઇ વધાણીના અધ્યક્ષસ્થાને સેવાસેતુના કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને તાપીના પ્રભારી શ્રીમુકેશભાઇ પટેલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મંત્રીશ્રી જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે, છેવાડાના નાગરિકોને વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો જનહિત નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સેવાસેતુમાં જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવનાર છે. જેનાથી ઘર બેઠા સરકારની સેવાઓ સ્થળ ઉપર પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે સુવિધા-લાગણી-સેવાના મંત્ર સાથે વર્તમાન સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૨૫૦૦થી વધુ સ્થળોએ સેવાસેતુના કાર્યક્રમો થઇ રહ્યા છે. તેમણે “સેવાનું સાચુ માધ્યમ-સેવાસેતુ છે” એમ જણાવી પ્રજાની સેવાના કામમાં ભગીદાર બનવા, જરૂરીયાતમંદ લોકો સુધી સરકારી યોજનાકિય લાભો પહોચાડવા, આ કાર્યક્રમો થકી વધુમાં વધુ સુચારુ-સુદ્રઢ વ્યવસ્થા બનાવી લોકોની સેવાનો ભાવ આપણી ફરજ સમજીકામ સ્વરૂપે અભિવ્યક્ત થાય તે માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર કિશોર સિંહ ચાવડા, સંગઠનના પ્રમુખ અને વીએનએસજીયુના સિન્ડીકેટ મેમ્બર ડૉ.જયરામભાઇ ગામીત, નિઝર પ્રાંત મેહુલ દેસાઇ સહિત તાલુકા /જિલ્લા પંચાયતના સદસ્યો, લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
ઉચ્છલ ઉપરાંત જિલ્લામાં વ્યારા નગરપાલિકાના ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે, ડોલવણમાં મુખ્ય શાળા ગડત ખાતે, વાલોડમાં પ્રાથમિક શાળા કહેર, સોનગઢમાં નગરપાલિકા સિનિયર સીટીઝન હોલ, નિઝરમાં પ્રાથમિક શાળા વાંકા અને કુકરમુંડામાં પ્રાથમિક શાળા સદગવાણ ખાતેથી પણ સેવાસેતુનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦