J&K: પ્રવાસી મજૂરોની હત્યાની કિંમત પાકિસ્તાને ચૂકવવી પડશે, ભારતનો પ્લાન તૈયાર
નવી દિલ્હી– કાશ્મીરમાં પાછલા થોડાક જ સમયમાં બિન-કાશ્મીરી લોકોની હત્યાના કિસ્સા સામે આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ પાકિસ્તાનના કહેવા પર આ પ્રકારની હત્યા કરી રહ્યા છે. પાકિસ્તાને પોતાની રણનીતિ બદલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાશ્મીરમાં પાછલા થોડા સમયમાં સ્થિતિ વણસી ગઈ છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન પોતાના જૈશ અને લશ્કર જેવા આતંકી સંગઠનોને ધ રઝિસ્ટન્સ ફોર્સ, લશ્કર એ મુસ્તુફા, ગઝનવી ફોર્સ અને અલ બદ્ર જેવા નામ આપીને ઘાટીનું વાતાવરણ ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ખાસકરીને ટીઆરએફના પાકિસ્તાન પ્રેરિત ઉગ્રવાદીઓએ ઘાટીમાં ઉધમ મચાવી દીધો છે, જેના કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ચાલી રહ્યા છે અને પાકિસ્તાનને સબક શીખવાડવા માટે આંતર્રાષ્ટ્રીય મંચની મદદ લેવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
શક્ય છે કે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત ફાઈનાન્શલ એક્શન ટાસ્ક ફોર્સ મીટિંગમાં ભારત પાકિસ્તાનને આ બાબતે ઘેરશે. માનવામાં આવી રહ્યું છે કે, કાશ્મીરના પૂંછમાં બોર્ડર પારથી આતંકવાદીઓની ઘૂસણખોરીની તાજેતરમાં બનેલી ઘટનાના સંદર્ભમાં ટેરરીઝમ ફાઈનાન્સિંગનો નાશ કરવામાં પાકિસ્તાનની નિષ્ફળતાને ઉજાગર કરવામાં આવશે. આમ પણ મની લોન્ડ્રિંગ પર નજર રાખનારી આ આંતર્રાષ્ટ્રીય સંસ્થા લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનો અને તેમની મદદ પાછળ પાકિસ્તાનને કેટલો હાથ છે તેની ચકાસણી ચોક્કસપણે કરશે.