અમદાવાદમાં ‘ઈદ-એ-મિલાદ’ના જુલુસને જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું
અમદાવાદ : દશેરા બાદ ઇદ-એ-મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે શરતી છૂટછાટ આપી છે અને અમદાવાદના જમાલપુર દરવાજાથી વહેલી સવારે જૂલુસ કાઢવા આવ્યું હતું. આ સમયે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જૂલુસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
મસ્જિદો અને ઘરોને રોશનીથી શણગારવામાં આવ્યા
આ વર્ષે અમદાવાદમાં ઇદ-એ-મિલાદ નિમિત્તે સરકારે જૂલુસ કાઢવા પર લીલીઝંડી આપતા અમદાવાદમાં મુસ્લિમ બિરાદરો ઇદ-એ-મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ઇદ-એ-મિલાદ હોવાથી મસ્જિદો, ઘરોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી છે. અમદાવાદમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખીને જુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી.
શાંતિપૂર્વક જુલુસ કાઢવામાં આવ્યું
આ અંગે ઈદ-એ-મિલાદે સેન્ટ્રલ કમેટીના ચેરમેન રફીક નગરીવાલા એ કહ્યું કે, 400 લોકોની મંજૂરી સરકારે આપી હતી તેના પરિણામે શાંતિપૂર્વક જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ પર્વ ઉજવવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ગૃહ વિભાગે સ્પષ્ટ કર્યુ હતું કે, ઇદ-એ-મિલાદના જુલુસમાં એક વાહન ઉપરાંત મહત્તમ 400 વ્યક્તિઓ સામેલ થઇ શકશે. દિવસ દરમિયાન જ જુલુસનુ આયોજન કરી શકાશે. જે તે વિસ્તારમાં જ જુલુસ ફરી શકશે. આમ લોકોએ સરકારની ગાઇડલાઇનનું પાલન કર્યું હતું