ગાંધીનગરમાં ‘ઇન્દિરા ગાંધી તાલીમ ભવન’ તોડી ‘નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર’ બનાવવા માટે દરખાસ્ત મુકવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગરમાં સેક્ટર 17માં આવેલા ‘ઇન્દિરા ગાંધી તાલીમ ભવન’ તોડીને ત્યાં ‘નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર’ બનાવવામાં આવે તેવી દરખાસ્ત મૂકવામાં આવી છે. પંચાયત પરિષદની હમણાં જ મળેલી બેઠકમાં આ બાબતને લઇને ચર્ચા કરવામાં આવી હતી અને આ પ્રોજેકટ કેન્દ્ર લેવલ સુધી દરખાસ્ત સાથે પહોંચતો કરાયો છે. જોકે અત્યાર પૂરતી આ દરખાસ્ત જ છે પરંતુ જો આ તાલીમ ભવન બનશે તો તેનું નામ “નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ સંસ્થા” નામથી બની શકે છે.
પ્રોજેક્ટનો DPR કેન્દ્રીય પ્રધાન સુધી પહોંચાડવામાં આવ્યો
સેકટર 17ના આ પ્રોજેક્ટની મંજૂરી માટે વડાપ્રધાનને વાત કરવામાં આવશે. જેથી અત્યાર પૂરતી આ દરખાસ્ત છે પરંતુ મંજૂરી મળતા નરેન્દ્ર મોદી તાલીમ ભવન બની શકે છે. તાજેતરમાં જ મળેલી ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો લોકસભા મતવિસ્તાર છે તેના કારણે આ પ્રોજેક્ટનો DPR કેન્દ્રીય પ્રધાન સુધી પહોંચાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જો આ પ્રોજેક્ટ પર કામ કરવાનું થશે તો હોદ્દેદારોને દિલ્હી બોલાવવામાં આવશે અને તેઓ પ્રોજેક્ટની મંજૂરી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે. રાજ્યમાં ઉપરાંત જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે ત્યારે પંચાયતી રાજમાં પણ નામ બદલવાની પેટનની શરૂઆત થઈ શકે છે.
કોરોના બાદ તાલીમ ભવન અત્યારે બંધ રહે છે
આ તાલીમ ભવનમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી પરંતુ કોરોના બાદ અહીં ટ્રેનિંગ પણ બંધ રાખવામાં આવી છે. ચાર દાયકા જૂનું આ ટ્રેનિંગ ભવન અંદરથી થોડા ઘણા અંશે મરંમત કરવામાં આવ્યું છે પરંતુ બહારથી આખું જર્જરીત જેવું છે. જેથી નવું બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેને લઈને પ્રોજેક્ટની ડિટેલ માહિતી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી દેવામાં આવી છે. જેથી વડાપ્રધાન અને પ્રધાનો અને હોદ્દેદારો મળી આ નિર્ણય લઈ શકે છે. આગામી દિવસોમાં રાષ્ટ્રીયકક્ષાના દેશના પ્રથમ સુવિધા સભર અને અદ્યતન પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર બનશે. જેમાં જિલ્લા પંચાયત તાલુકા અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓને તાલીમ આપી શકાશે.