આઇટીઆઇ–ઇન્દુ ખાતે કલેક્ટર એચ.કે.વઢવાણિયાના હસ્તે સ્કિલ લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું
લેબના માધ્યમથી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી પોતાની કારકિર્દીને સુવર્ણ બનાવો : કલેક્ટર એચ.કે.વઢવાણિયા
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) : ૧૨: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત સરકારી આઇટીઆઇ–ઇન્દુ ખાતે એનપીસીએલ કાકરાપારના સહયોગથી આજરોજ આઇસીટી ઈનેબલ્ડ સ્કિલ લેબનું જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ કોલેજના વિદ્યાર્થીઓને ટેકનોલોજી સાથે વર્તમાન સમયનો સદઉપયોગ અંગે સમજાવતા જણાવ્યું હતું કે, આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે ટેકનોલોજી કોમ્ય્યુટર અને મોબાઇલના સ્વરૂપે હાથવેગી છે ત્યારે તેના ઉપયોગ બાબતે જાગૃત બની તેના સારા પાસાંઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ લેબના માધ્યમથી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી પોતાની કારકિર્દીને સુવર્ણ બનાવવાની તક છે. વિદ્યાર્થીઓનો રસ ભણવામાં જળવાઇ રહે તે મુજબ શિક્ષક તરીકેની કળાને વિકસાવવા લેબના ઇન્સ્ટ્રકટર શિક્ષકોને વિનંતી કરી હતી. તેમણે સ્કિલ લેબના સ્પર્ધાત્મક વિષયોના પુસ્તકો, કોમ્પ્યુટર, લર્નીંગ સોફ્ટવેર, ઇન્ટરનેટનો વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં એનપીસીએલ કાકરાપારના સાઇટ ડાયરેકટર એમ. વૈંકટાચલમે પોતાના કોલેજના દિવસોના ઉદાહરણો આપીને જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિના જીવનમાં વિદ્યાર્થીકાળ સુવર્ણકાળ હોય છે. આ સમયમાં જે વ્યક્તિ પોતાની આવડતને જાણી લે છે, તે જીવનમાં સફળતા મેળવે છે. તેથી આ સમયનો ઉપયોગ પોતાની આવડત કે સ્કિલને ઉજાગર કરવામાં કરો. વારંવાર પ્રેક્ટીસ દ્વારા તેમાં એક્સ્પર્ટ બનવાની સમજ પણ આપી હતી. વધુમાં તેમણે એનપીસીએલ કાકરાપારના સીએસઆર ફંડનો ઉપયોગ જિલ્લાના દરેક વ્યક્તિના વિકાસ માટે કરવાની સાથે અન્ય સુવિધાઓ વિકસાવવાની તત્પર્તા દાખવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એનપીસીએલ કાકરાપાર દ્વારા આઇટીઆઇના વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ વધુ સારી રીતે કરી શકે તેવા હેતુથી આઇસીટી ઈનેબલ્ડ સ્કિલ લેબની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર, તેમાં અદ્યત્ન લર્નીંગ સોફ્ટવેર, ઇન્ટરનેટ, સ્પર્ધાત્મક વિષયોના પુસ્તકો, ઇન્ટરનેટ કનેક્ટેડ ટીવી તથા વાંચન માટે ટેબલ-ખુરશી સહિત લાઇબ્રેરીની સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ પ્રસંગે સીએસઆર લેબ ચેરમેન નિતિન કેવટ, આઇટીઆઇના આચાર્યા એસ.એ.ચૌધરી, અન્ય આઇટીઆઇના પ્રિન્સીપાલ, કર્મચારીગણ સહિત વિદ્યાર્થીઓ સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦