રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગ, અડદ અને સોયાબીનની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા તા. ૧૧ થી ૩૧ ઓકટોબર ૨૦૨૧ સુધી કરાશે
રાજ્યના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન ૨૦૨૧-૨૨ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ મારફત લઘુતમ ટેકાના ભાવે મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવનાર છે. આ માટેની નોંધણી પ્રક્રિયા તા. ૧૧ ઓકટોબર ૨૦૨૧ના રોજથી શરૂ થશે.
આ અંગે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત તા. ૧૧ થી ૩૧ ઓકટોબર ૨૦૨૧ સુધી નોંધણી કરાવી શકાશે.
નોંધણી કરાવવા માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭-૧૨, ૮-અની નકલ, ગામ નમૂના-૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, મગ, અડદ અને સોયાબીન પકવતા ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવે પાકના વેચાણ માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત હોઇ, આ માટે સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ APMCનો સંપર્ક કરી નોંધણી કરાવવા જણાવાયુ છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો નિગમના હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના મેનેજરની યાદીમાં જણાવ્યુ છે.