ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં અડવાણી, જોષીને સ્થાન
ભાજપની 80 સભ્યોની નવી રાષ્ટ્રીય કારોબારીની રચનાની પક્ષ-અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાહેરાત કરાઈ છે. કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગુજરાતના નેતાઓ, ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, કેન્દ્રિય મંત્રીઓ મનસુખ માંડવિયા તથા પરસોતમ રૂપાલાનો સમાવેશ કરાય છે. નોંધપાત્ર છે કે હાંસિયામાં ધકેલાઈ ચુકેલા અને કહેવાતા માર્ગદર્શક મંડળના સભ્ય અને ભુતપૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણી તથા મુરલીમનોહર જોષીને પણ સ્થાન આપવામાં આવ્યુ છે.
80 નિમિત સભ્યો ઉપરાંત કારોબારીમાં 50 વિશેષ આંમત્રીતો તથા 179 કાયમી આમંત્રીતો રહેશે. કારોબારીમાં આ ઉપરાંત કેન્દ્રિય પ્રધાનો રાજનાથસિંહ તેમજ તાજેતરમાં પ્રધાનમંડળમાં સામેલ કરાયેલ અશ્ર્વિન વૈષ્ણવનો પણ સમાવેશ કરાયો છે. પૂર્વ પ્રધાનો હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, અને પ્રકાશ જાવડેકરને પણ સ્થાન અપાયું છે. ઉપરાંત ગુજરાતમાંથી સાંસદ ભારતી શીયાર તથા રસીલાબેન બારાનો સમાવેશ કરાયો છે. કાયમી આમંત્રીત તરીકે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પણ લેવામા આવ્યા છે.