તાપી જિલ્લાના અનુસૂચિત જનજાતિ યુવક-યુવતીઓ માટે તાલુકા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૬: રાજ્યનાં રમતગમત, અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, હેઠળ જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા તમામ અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન વધુ પ્રમાણમાં અનુસુચિત જનજાતિની વસ્તી ધરાવતા જિલ્લામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જે અન્વયે અનુસૂચિત જનજાતિનાં ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ આ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લઇ શકશે. શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા સમજ કેળવી માર્ગદર્શન આપવામાં આવશે. તદઉપરાંત શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના યોગાસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છિતા તમામ અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓએ તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, પાનવાડી, બ્લોક નં.-૬, પ્રથમ માળ, વ્યારા, જિ.તાપીમાં નામ નોંધણી કરાવવાની રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦