તાપી જિલ્લા/તાલુકા પંચાયત પેટા ચૂંટણી-૨૦૨૧ તા.૦૫-૧૦-૨૦૨૧ના રોજ સવારે ૯ વાગ્યેથી મતગણતરી શરૂ થશે

પ્રતીકાત્મક તસ્વીર
ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાયેલ મતદાનમાં જિલ્લા પંચાયત ૧૬-કરંજવેલની બેઠક માટે ૭૧.૯૧ ટકા મતદાન નોંધાયું:
જ્યારે તાલુકા પંચાયતની પાંચ ખાલી બેઠકોમાં ૭૨.૮૧ ટકા મતદાન નોંધાયું
…….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૦૪: તાપી જિલ્લા/તાલુકા પંચાયત પેટા ચૂંટણી-૨૦૨૧ અન્વયે તા.૩જી ઓક્ટોબર-૨૦૨૧ના રોજ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની મતદાન ગણતરી આજે તા.૦૫-૧૦-૨૦૨૧ના રોજ સવારે ૯ વાગ્યેથી હાથ ધરવામાં આવનાર છે. જેમાં જિલ્લા પંચાયતની ખાલી પડેલ જગ્યા ૧૬-કરંજવેલની બેઠક માટે ૭૧.૯૧ ટકા જ્યારે તાલુકા પંચાયતની પાંચ ખાલી બેઠકોમાં ૭૨.૮૧ ટકા મતદાન નોંધાયું છે.
તાપી જિલ્લામાં પ્રસંગોપાત ખાલી પડેલ જિલ્લા/તાલુકા પંચાયતની બેઠકોમાં ૧૬-કરંજવેલ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠકમાં કુલ ૨૦,૯૮૮ મતદારોની સંખ્યામાં ૧૦,૧૮૭ પુરુષો અને ૧૦,૮૦૧ મહિલા મતદારો હતા. જેમાંથી કુલ ૧૫,૦૯૩ મતદારો દ્વારા મતદાન કરવામાં આવેલ છે જે પૈકી ૭,૩૦૦ પુરુષો અને ૭,૩૯૩ મહિલાનો સમાવેશ થાય છે.
જયારે તાલુકા પંચાયતોની ખાલી બેઠકોમાં વ્યારા તાલુકાની ૭-ઘાટા, ૧૪-કેળકુઇ, ૧-બાલપુર, ડોલવણ તાલુકાની ૩-બેડારાયપુરા, અને સોનગઢ તાલુકાની ૧૩-ખેરવાડાની અનુસૂચિત જાતિ બેઠકોમાં કુલ-૨૫,૪૦૬ મતદારોની સંખ્યામાં ૧૨,૫૧૬ પુરુષો અને ૧૨,૮૯૦ મહિલા મતદારો હતા. જેમાંથી કુલ ૧૮,૪૯૯ મતદારો દ્વારા મતદાન કરવામાં આવેલ છે જે પૈકી ૯,૪૭૮ પુરુષો અને ૯,૦૨૧ મહિલાનો સમાવેશ થાય છે.
જે અન્વયે વ્યારા તાલુકાની ૭-ઘાટાની બેઠકમાં ૬૯.૪૪ ટકા મતદાન, ૧૪-કેળકુઇની બેઠકમાં ૭૭.૯૯ ટકા, ૧-બાલપુરની બેઠકમાં ૬૯.૪૪ ટકા, ડોલવણ તાલુકાની ૩-બેડારાયપુરાની બેઠકમાં ૭૦.૨૭ ટકા અને સોનગઢ તાલુકાની ૧૩-ખેરવાડાની બેઠકમાં ૭૭.૭૨ ટકા મતદાન નોંધાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિઝર તાલુકાની ૧૨-શાલે માટે ભાજપના મહિલા ઉમેદવાર દમયંતી નાઇક બિન હરીફ ચૂંટાયા છે.
મતગણતરી સ્થળ તરીકે વ્યારા તાલુકામાં જિલ્લા સેવા સદન, પાનવાડીના બ્લોક-નં-૧૨ બીજા માળના મામલાતદાર કચેરીના મીટીંગ હોલ, ડોલવણ તાલુકા માટે તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, જ્યારે સોનગઢ તાલુકા માટે તાલુકા સેવા સદન નક્કી કરવામાં આવેલ છે.
૦૦૦૦૦૦૦૦૦૦