યુપીમાં ભારેલો અગ્નિ: પ્રિયંકા, અખિલેશની અટકાયત
માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ખેડૂતોના મૃતદેહનો અગ્નિસંસ્કાર નહીં: ટિકૈત.
મંત્રી પુત્ર સામે એફઆઈઆર: ખેડૂતોને કચડી નાખવાની ઘટના બાદ લાપતા પત્રકારનું શબ મળતા મરણાંક 9: ઈન્ટરનેટ સેવાઓ ઠપ : ચંદ્ર શેખર આઝાદ, સંજયસિંહ પણ અટકમાં : અખિલેશ યાદવને પણ ન જવા દેવાતા તેમણે રસ્તા પર ધરણાં કર્યા : પોલીસ વાનને આગ ચંપાઈ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં કેન્દ્રીય મંત્રી મિશ્રાની ગાડી નીચે કચડાઈ જવાથી ખેડુતોના મોત પછી રાજ્યમાં ભારેલા અગ્નિજેવી સ્થિતિ છે ગઈકાલે ઘટના બાદ લાપતા થયેલા પત્રકારનો મુતદેહ મળતા મરણાંક 9 થયો છે. દરમ્યાન, મિશ્રાના પુત્ર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ઈન્ટરનેટ સેવા સ્થગિત કરાઈ છે. પીડીતોને મળવા અને ઘટનાનો તાગ મેળવવા જઈ રહેલા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા, આપના સાંસદ સંજયસિંહ, ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદની અટકાયત કરાઈ છે. સમાજ વાદી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પણ તેમના લખનઉના નિવાસ સ્થાનેથી બહાર જવા દેવાયા ન હતા. અખિલેશ યાદવના લખીમપુર જતા રોકાયા બાદ તેઓ રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા. એ પછી પણ તેમને અટકમાં લેવાયા હતા. ધરણા સ્થળ નજીક બેકાબુ ટોળાએ પોલીસની જીપને આગ ચાંપી હતી. પોલીસે કેટલાક લોકોને નજર બંધ કર્યા છે. તેમાં કોંગ્રેસ નેતાઓ પ્રમોદ તિવારી, સલમાન ખુરસીદ, આરાધના મિશ્રા અને શિવપાલ યાદવ સામેલ છે. ખેડુત નેતા રાકેશ ટિકૈત પણ લખીમપુર પહોંચી ગયા છે. તેમણે હીંસાની ન્યાયીક તપાસ માંગી છે. અને અજય મિશ્રાને મંત્રી પદેથી બરતરફ કરવા જણાવ્યું છે. ખેડુતોના મૃતદેહને અગ્રસેન ઈન્ટર કોલેજ બહાર રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમારી પાંચ માંગણી પુરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે હટીશું નહીં
બીજી બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને એનસીપીના નેતા સરદ પવારે ખેડુતો સામેની હિંસાને વખોડી કાઢી છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં રવિવારે વિરોધ કરનારા ખેડૂત અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના કાફલા વચ્ચે ઘાતક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 9 લોકોના મૃત્યુ થયા છે અને બનાવની ગંભીરતાને લઈને આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. આ બનાવ અંતર્ગત કેન્દ્રિય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અગાઉ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ રવિવારે યુપીના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં તેમના પરના આરોપોને નકાર્યા હતા અને ન્યાયિક તપાસની માંગ કરી હતી. આશિષ મિશ્રાએ કહ્યું કે કેટલાક તોફાની તત્વોએ અમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને તેમાંથી 4-5ની હત્યા કરી.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી ખેડૂતોને મળવા રવિવારે મધ્યરાત્રિ પછી લખીમપુર ખીરી જવા રવાના થયા હતા. લખીમપુર ખેરી પહોંચતા પહેલા પોલીસે તેને હરગાંવ ખાતે કસ્ટડીમાં લીધા હતા. કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા વિરોધીઓને બે વાહનો દ્વારા કચડી નાખવામાં આવ્યા બાદ લખીમપુર ખેરીમાં હિંસા ફાટી નીકળી હતી. લખીમપુરમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મૃત્યુ થયા છે. ખેડૂતોનો દાવો છે કે આ ઘટનામાં 4 ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, ભાજપનું કહેવું છે કે તેના 4 કાર્યકરો મૃત્યુ પામ્યા છે. લખીમપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ કેટલાક વરિષ્ઠ અધિકારીઓને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.