સ્વચ્છતા સ્વાસ્થ્ય સાથે સબંધ ધરાવે છે માટે સ્વચ્છતાને કાર્ય નહી પણ જીવનશૈલીનો એક ભાગ ગણીએ : જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયા
- તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ
સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાયા સ્વચ્છતા ઝૂંબેશને વેગવંતુ બનાવવા ગ્રામસભાનું આયોજન કરાયું
ગ્રામજનોએ શૌચાલયના બાંધકામ-વપરાશ અને સ્વચ્છતા જાળવવા અંગે સ્વચ્છતાના શપથ લીધા
(માહિતી બ્યુરો દ્વારા, તાપી-વ્યારા) ૦૪: આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવા રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સમગ્ર ઓક્ટોબર માસમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તાપી જિલ્લામાં સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો હેઠળ ગ્રામસભાઓ યોજાઇ હતી.
ગાંધીજીના સ્વચ્છ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયાએ ઉચ્છલના થુટી ગ્રામ પંચાયત ખાતે વ્યક્તિગત શૌચાલયના શોકપીટના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યુ હતું. ગ્રામસભામાં સ્વચ્છતાને કાર્ય ન સમજી તેને જીવનશૈલીનો એક ભાગ બનાવવા અંગે પ્રજાજનોને જણાવ્યું હતુ. તેમણે ગ્રામજનોને સ્વચ્છતાનો હેતુ, તેનાથી થતા લાભો, સ્વાસ્થ્ય સબંધી વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ગ્રામ પંચાયતમાં વ્યક્તિગત અને સામૂહિક કંપોસ્ટપીટ, ગામોને સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત કરવા, સ્વચ્છતાગ્રહીની લીડરશીપમાં સ્વચ્છતા મંડળીની રચના કરવા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત વાલોડમાં સામુહિક સ્થળોની સફાઈ, પ્રવાહી કચરા વ્યવસ્થાપન, ઘન કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ થાય તેવા મુદ્દાઓ પર ભાર મુકી બેનરો દ્વારા નાગરિકોએ જિલ્લા વહિવટી તંત્ર સાથે સફળ જનભાગીદારી નોંધાવી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા. વ્યારાના જેસીંગપુરા ગ્રામ પંચાયત ખાતે તેમજ તમામ તાલુકાઓમાં પ્રજાજનોએ સ્વચ્છતા જાળવવા અને શૌચાલયના બાંધકામ તથા વપરાશ પ્રત્યે સજાગ રહેવા, જાહેર જગ્યાઓ પર ગંદકી નહી કરવા અન્ય લોકોને જાગૃત કરવા અંગે સ્વચ્છતાના શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં તમામ તાલુકા/ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અંગે યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં પ્રજાજનોની મહત્વપૂર્ણ જનભાગીદારી નોંધાઇ રહી છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦