ગુજરાતભરમાં વાહનોના ફિટનેસ સેન્ટર શરૂ કરાશે
- તમામ જિલ્લાઓમાં ફિટનેસ સેન્ટર શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજય બનશે
વાહનોની ફીટનેસ માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 33 જીલ્લા અને 8 મનપામાં ફીટનેસ સેન્ટર શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ફીટનેસ સેન્ટર શરૂ કરાશે. રાજયનાં તમામ જીલ્લામાં ફીટનેસ સેન્ટર શરૂ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. એક જ મહિનામાં ટેન્ડરીંગ પ્રક્રિયા પૂરી કરવા કવાયત શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ખાતેથી સ્ક્રેપ પોલિસી દેશભરમાં લોન્ચ કરાઈ છે. સ્ક્રેપ પોલિસી બાદ વાહનોની ફીટનેસ માટે કેન્દ્ર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરાયા બાદ ગુજરાતમાં 9
લાખ જેટલાં જૂના વાહનો સ્ક્રેપ કરવામાં આવશે. રાજ્યમાં 9 લાખ વાહનો 15 વર્ષ જૂના હોવાનું નોંધાયું છે. રાજ્યમાં થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર મળીને કુલ 21 લાખ વાહનો નોંધાયા છે. જ્યારે સરકારના 13 હજાર વાહનો 15 વર્ષ જૂના હોવાનું નોંધાયું છે. આથી આ 13 હજાર સરકારી વાહનો પણ સ્ક્રેપમાં જશે. રાજ્યના આર.ટી.ઓ. વિભાગએ જૂના વાહનોના ડેટા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, 13 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર સમિટમાં સ્ક્રેપ પોલિસી જાહેર કરાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર સમિટને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘દેશમાં નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. સ્ક્રેપ પોલિસીના કારણે પ્રદૂષણમાં ઘટાડો થશે. અનફીટ વાહનોને હટાવવા માટે નવી પોલિસી કામ કરશે.’
કેન્દ્ર સરકાર દ્રારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોદી પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા છે. આ પ્રસંગે વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે. નીતિન ગડકરીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ‘ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ કરાઇ. જૂના વાહનોનું પ્રદૂષણ માત્ર 10થી 12 % વધારે છે. કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થપાશે.’
જૂના વાહનો પ્રદૂષણ વધારે છે અને રોડ સેફ્ટીની પણ સમસ્યા છે. સ્ક્રેપ પોલિસીને જાપાન અને બેલઝિયમમાં લાગૂ કરવામાં આવી છે. એશિયાના દેશો સ્ક્રેપિંગ માટે ગુજરાતમાં સ્ક્રેપ મોકલશે જે કડલના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂના વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળોએ ભંગારવાડા બનાવવામાં આવશે. સ્ક્રેપમાં વાહન કાઢી નાખનારાઓને આપવામાં આવનારા પ્રમાણપત્ર પર તેમને નવા વાહનની ખરીદી બાદ રોડ ટેક્સમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. કોમર્શિયલ વેહિકલ માટે આ રાહતની ટકાવારી 15ની રાખવામાં આવશે. મોટર વેહિકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25 ટકા સુધીની રાહત મળશે. નવી પોલિસીથી દેશમાં રોજગારીનું પ્રમાણ વધશે અને વાહન ઉદ્યોગને વધારે ગતિ મળશે.
વાહનોના ફિટનેસ ટેસ્ટ સમયાંતરે કરાવવાના નિયમોની પણ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ જનારા વાહનોને ભંગારમાં નાખી દેવાની ફરજ પાડવામાં આવશે. પહેલી ઓક્ટોબર 2021થી ફિટનેસ ટેસ્ટ કરાવવાનો નિયમ લાગુ કરવામાં આવશે. આ ફિટનેસ ટેસ્ટનો રિપોર્ટ જે તે સેન્ટરમાંથી ઓનલાઈન મૂકી દેવામાં આવશે.
ગુજરાતમાં સુરતમાં અત્યારે એક ફિટનેસ સેન્ટર છે. આ ટેસ્ટના ક્રાયટેરિયા પણ હવે પછી જ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. જોકે પંદર વર્ષથી જૂના પેસેન્જર વેહિકલની ફિટનેસ ટેસ્ટ કરાવવા માટે રૂા. 5000 અને કોમર્શિયલ વેહિકલનો ફિટનેસ ટેસ્ટ કરાવવા માટે રૂા. 20,000થી વધુ રકમનો ખર્ચ કરવો પડી રહ્યો છે. આ ફિટનેસ ટેસ્ટમાં ત્રણવાર નિષ્ફળ ગયા પછી તેને સ્ક્રેપ કરવાની ફરજ પાડવામાં આવે તેવી સંભાવના હોવાનું ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે.