અંકુશ રેખા પર ફરી ચીનની સૈન્ય જમાવટ : ભારત પણ તૈયાર
ચીન લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, એટલે કે એલએસી પર સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે, સાથે જ અહીં શસ્ત્રો પણ એકત્ર કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી ગુરુવારે જણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત ચીનની હરકતો પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે અને દેશની સુરક્ષા માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન બાગચીએ કહ્યું હતું, ચીન ઉશ્કેરણીજનક કૃત્યો કરીને તે એલએસી માં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારત પણ પોતાની સરહદોની સુરક્ષા કરવાનું જાણે છે અને અમે દરેક હિતનું રક્ષણ કરવા તૈયાર છીએ.
બુધવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિયાંગે ભારતીય સેના પર ચીનના પ્રદેશ પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચીનના દાવાઓ અને આક્ષેપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે ચીન સરહદ પર તમામ પ્રકારની તહેનાતી વધારી રહ્યું છે, પરંતુ ભારત એના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
એક સવાલના જવાબમાં બાગચીએ કહ્યું હતું, એલએસી પર અમે જે પણ તહેનાતી કરી છે એ ચીનની તૈયારીના જવાબમાં છે. જો એ બાજુથી કોઈ કાર્યવાહી થાય, તો ભારતને અધિકાર છે કે તે તેનો જવાબ આપે. અમે ઇચ્છીએ છીએ કે ચીન લદાખમાં પહેલેથી વણઉકેલાયેલા મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલે.
બાગચીએ કહ્યું- આ મહિને તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં અમારા વિદેશમંત્રી જયશંકરે ચીનના વિદેશમંત્રી વાંગ યીને કહ્યું હતું કે બંને દેશોએ વણઉકેલાયેલા મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીત કરવી જોઈએ. આ માટે અગાઉના કરારો અને પ્રોટોકોલને ધ્યાનમાં લેવા જોઈએ.
ગુરુવારે સાંજે એક સમિટ દરમિયાન વિદેશમંત્રી જયશંકરે ચીન અને અમેરિકા સાથેના સંબંધો અંગે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. વિદેશમંત્રીએ અમેરિકા અને હિંદ-પ્રશાંત મહાસાગરની સ્થિતિ પર કહ્યું- અમે (અમેરિકા અને ભારત) અગાઉ દક્ષિણ એશિયામાં સાથે કામ કરતા ન હતા, પરંતુ હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ છે, તેથી જ ક્વાડ પ્લેટફોર્મ આવશ્યક બન્યું. હવે તો અફઘાનિસ્તાનનો મુદ્દો પણ છે.
એક સવાલના જવાબમાં જયશંકરે કહ્યું- ક્વાડ લશ્કરી હેતુ માટે નથી કે ન તો અમે તેને કોઈની વિરુદ્ધ બનાવ્યું છે. કેટલાક લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. આ અંગે સાવચેત રહેવું જોઈએ. ચીન આ ક્ષેત્રમાં એક વિશાળ અને પ્રભાવશાળી દેશ છે. અર્થતંત્રની દૃષ્ટિએ તે વિશ્વ માટે પણ મહત્ત્વનું છે. દરેક દેશમાં જુદા જુદા પડકારો હોય છે. અમે અમારાં પોતાનાં હિતોનું પણ ધ્યાન રાખી રહ્યા છીએ.