વ્યારા ખાતે કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગાંધીનગરની જોઇન્ટ રિવ્યુ મિશન અંગે ડીબ્રીફીંગ બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૧: તાપીએ જિલ્લાના મુખ્ય મથક વ્યારા જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ત્રીજી જોઇન્ટ રિવ્યુ મિશન અંગેની ડીબ્રીફીંગ બેઠક યોજાઇ હતી.
કલેકટર એચ.કે.વઢવાણિયાએ તાપી જિલ્લામાં આરોગ્ય સુવિધા ઉચ્ચ કક્ષાની બની રહે તે માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, છેવાડાના લોકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય વિષયક સારી સેવાઓ મળી રહે તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ કટીબધ્ધ બને તેવો પ્રયાસ કરવો જોઇએ. આરોગ્ય કેન્દ્રો ઉપર દવાઓનો પુરતો જથ્થો, આરોગ્ય વિષયક સાધન-સામગ્રી, સ્વચ્છતા, ડોકટરો-નર્સ સહિત કર્મચારીઓની નિયમિતતા જળવાઇ રહે તેની તકેદારી રાખવાની રહેશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની ટીમે તાપી જિલ્લામાં આવેલ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ ઝીણવટભરી તપાસણી કરી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખુટતી સુવિધાઓ અંગે આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ બનાવવા માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલે વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન તાપી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની ટીમને જાણકારી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા સહિત જિલ્લાના ડોકટરો, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦