તાપી : વ્યારાનાં સયાજી ગ્રાઉન્ડથી ઉનાઇ નાકા સુધી સ્વચ્છતા ડ્રાઇવ દ્વારા કચરો ઉપાડી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવશે
- તાપી જિલ્લામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આજથી ૩૧ ઓક્ટોબર–૨૦૨૧ દરમિયાન “સ્વચ્છ ભારત” અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન
જિલ્લામાં સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોના આયોજન અંગે
કલેકટર એચ.કે. વઢવાણિયાની અધ્યક્ષતમાં બેઠક યોજાઇ
…………….
(માહિતી બ્યુરો દ્વારા, તાપી-વ્યારા) ૩૦: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તા. ૧લી થી સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન “સ્વચ્છ ભારત” અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં ૨ નગરપાલિકા અને ૭ તાલુકા વિસ્તાર સહિત ગ્રામ્ય સ્તરે જન આનંદોલન રૂપે આ કાર્યક્રમોના સુચારૂ અને સફળ આયોજન અર્થે આજે સેવાસદનના સભાખંડમાં કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં “સ્વચ્છ ભારત” કાર્યક્રમનો પ્રારંભ આજે તા.૧લી ઓક્ટોબરના રોજ સવારે ૧૦ વાગ્યેથી સ્વચ્છતા ડ્રાઇવ અંતર્ગત સયાજી ગ્રાઉન્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ., એન.સી.સીના સ્વયંસેવકો, અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સયાજી ગ્રાઉન્થી રેલી શરૂ કરવામાં આવશે. આ રેલી જુના બસ સ્ટેન્ડ થઇ ઉનાઇ નાકા સુધી જશે. રેલી દરમિયાન સ્વયમંસેવકો દ્વારા કચરો ઉપાડી જિલ્લાને સ્વચ્છ રાખવાનો સંદેશો પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમ જણાવી સમગ્ર તાપી જિલ્લો સંપૂર્ણ સ્વચ્છ બને તેવા સઘન પ્રયાસો કરવા અધિકારીઓ સહિત ઉપસ્થિત સૌને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઓક્ટોબર માહ દરમિયાન “સ્વચ્છ ભારત” કાર્યક્રમ દ્વારા જિલ્લા/ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્લાસ્ટીક વેસ્ટ કલેક્ટ કરી તાલુકા કક્ષા મારફત જિલ્લાએ એક્ઠ્ઠો કરવામાં આવશે. જેનું વજન કરી એક્ઠ્ઠા થયેલા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
સમગ્ર માસ દરમિયાન ડોર-ટુ-ડોર કેમ્પેઈન કરી પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા તથા તેના કચરાના યોગ્ય નિકાલ અંગે માર્ગદર્શન આપવમાં આવશે તથા વિવિધ સ્થળોએ સ્વચ્છતાના કાર્યક્રમો યોજીને જનભાગીદારીથી જન આંદોલનના ધ્યેય સાથે આ તમામ કાર્યક્રમોમાં ગ્રામ્ય વિસ્તારોમાં યુવા સંગઠનો, મહિલા મંડળો,સખી મંડળો, સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, યુવક મંડળો, સરકારી કર્મચારીઓ, શિક્ષકો તથા રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.), એન.સી.સીના સ્વયંસેવકો અને જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગો જોડાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદાર, અધિક જિલ્લા નિવાસી કલેક્ટર આર.જે.વલવી, ડી.આર.ડી.એ નિયામક જે.જે.નિનામા, પ્રાંત અધિકારી હિતેશ જોશી સહિત સંબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦