દ.અમેરિકી દેશ ઇક્વાડોરની જેલમાં ગૅંગવૉર : 100થી વધુ કેદીનાં મોત
દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરની જેલમાં હિંસક અથડામણમાં 100થી વધુ કેદીઓના મોત થયા છે અને 52 કેદીઓ ઘાયલ થયા છે. મંગળવારે અહીં દરિયાકાંઠાના શહેર ગ્વાયકિલમાં એક દ્વીપકલ્પ જેલમાં અથડામણ થઈ હતી. ઇક્વાડોરિયન જેલ સેવાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે પોલીસ અને સેના લગભગ પાંચ કલાક બાદ ગ્વાયકીલ પ્રાદેશિક જેલમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સક્ષમ છે. ગુઆસના ગવર્નર પાબ્લો એરોસેમેનાએ જેલની બહાર એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર કરવામાં આવ્યો હતો, છરીઓ પણ ચલાવવામાં આવી હતી અને હિંસક અથડામણમાં અનેક વિસ્ફોટ થયા હતા. આ હિંસક અથડામણ જેલમાં ‘લોસ લોબોસ’ અને ‘લોસ ચોનેરોસ’ ગેંગ વચ્ચે થઈ
હતી. ટેલિવિઝન પર બતાવવામાં આવેલી તસવીરોમાં, કેદીઓ જેલની બારીઓમાંથી ફાયરિંગ કરતા જોઇ શકતા હતા. ગુઆસ સરકારે તેના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક ફોટા પણ શેર કર્યા છે, જેમાં છ રસોઈયાઓને જેલના એક ભાગમાંથી બહાર કાઢતા જોઈ શકાય છે.
આ કેસમાં પ્રાદેશિક પોલીસ કમાન્ડર જનરલ ફોસ્ટો બ્યુનોએ જણાવ્યું હતું કે કેદીઓ ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટને કારણે મૃત્યુ પામ્યા હતા. જેલ બ્યુરોના ટ્વિટને ફરી ટ્વિટ કરીને રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ કહ્યું કે, મંગળવારે બનેલી ઘટનાઓ બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે. અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે.આપને જણાવી દઈએ કે જુલાઈમાં દેશની એક જેલમાં હિંસક અથડામણમાં 100 થી વધુ કેદીઓ માર્યા ગયા હતા. જેલમાં હિંસા સંબંધિત ઘટનાઓ અવારનવાર બને છે.
જેલમાં આટલી બધી હિંસા કેમ થાય છે?
ઇક્વાડોરની જેલો ડ્રગ ગેંગ સાથે સંકળાયેલા કેદીઓ માટે યુદ્ધભૂમિ જેવી છે. ગ્વાયકીલ ઇક્વાડોરનું મુખ્ય બંદર શહેર છે. ખાસ કરીને તે ઉત્તર અમેરિકામાં કોકેઇન મોકલવા માટેનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. ગયા અઠવાડિયે, પોલીસે ગ્વાયકિલ જેલમાંથી બે પિસ્તોલ, એક રિવોલ્વર, 500 રાઉન્ડ દારૂગોળો, એક હેન્ડ ગ્રેનેડ, અનેક છરીઓ, બે ડાયનામાઇટ રોડ અને ઘર ઘરાવ બનાવેલા વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. બે અઠવાડિયા પહેલા, ગ્વાયાકિલની જેલ નંબર 4 પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, જે ‘આંતરરાષ્ટ્રીય કાર્ટેલ્સ વચ્ચેના યુદ્ધ’ નો ભાગ હતો. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.