ઓલપાડ : ગુરુ તેગ બહાદુરની જન્મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ ખાતે તાલુકાકક્ષાની સર્જનાત્મક નિબંધલેખન સ્પર્ધા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિશ્વનાં ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મૂલ્યો અને આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતીય છે. ગુરુ તેગ બહાદુરની જન્મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકારનાં શિક્ષા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા વિવિધ સર્જનાત્મક લેખન સ્પર્ધાનું આયોજન કરવાનું એક પત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આ સ્પર્ધા ધોરણ- 6 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્તરે શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર છે.
બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા આ સંદર્ભે તાલુકાકક્ષાની સર્જનાત્મક નિબંધલેખન સ્પર્ધાનું આયોજન અત્રેના બીઆરસી ભવન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ક્લસ્ટર કક્ષાએ વિજેતા 11 વિદ્યાર્થીઓએ સહર્ષ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શાળાકક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં ધોરણ- 6 થી 12 નાં 2666 જેટલાં વિદ્યાર્થીઓએ જ્યારે ક્લસ્ટર કક્ષાએ 33 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી.
1. ગુરુ તેગ બહાદુરનાં બાળપણનાં અનુભવો, 2. ગુરુ તેગ બહાદુરનાં જીવનની ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિકા, 3. ગુરુ તેગ બહાદુર- ગુરૂપદ, શહીદી તેમજ માનવતાનાં દૂત તરીકે જેવી થીમ આધારિત તાલુકાકક્ષાની આ સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા નીચેનાં 5 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યા હતા. (1) ક્રિશા કાંતિભાઈ આહિર (ક઼ુદિયાણા પ્રાથમિક શાળા),(2) પ્રિયંકા સંજયભાઈ યાદવ (અસ્નાબાદ પ્રાથમિક શાળા),(3) ખુશી ચેતનભાઈ પટેલ (કરંજ પ્રાથમિક શાળા),(4) ખુશી સુરેશભાઈ રાઠોડ (ઓરમા પ્રાથમિક શાળા),(5) પાયલ રાજેશભાઈ પટેલ (સંસ્કાર ભારતી વિદ્યાલય,ભાદોલ). આ તમામ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે.
સદર સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે વિપુલ ત્રિવેદી (ઉમરા પ્રાથમિક શાળા), રેખા પટેલ (ઓરમા પ્રાથમિક શાળા) તથા કલ્પના પટેલ (અસ્નાબાદ પ્રાથમિક શાળા) એ ઉત્કૃષ્ટ સેવા આપી હતી. સ્પર્ધાનાં કન્વીનર તરીકે ભરત પટેલ (સી.આર.સી., કીમ) એ સુંદર કામગીરી બજાવી હતી. વિજેતા બાળકોને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં માર્ગદર્શક કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલ તથા ઇન્ચાર્જ બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.