વિકાસ અને વિશ્વાસ : ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસની હરણફાળ ભરી છે : મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી
જન આશીર્વાદ યાત્રાનો તાપી જિલ્લાના ઉકાઈ સોનગઢથી પ્રારંભ
તાપી ૩૦: રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીએ તાપીમાં સોનગઢના ઉકાઈ ખાતેથી આજે જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લાના નાગરિકોનુ અભિવાદન કરતા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, તમામ અદના અને પાયાના કાર્યકરોએ અથાગ પરિશ્રમ દ્વારા જન આશીર્વાદ યાત્રાને સફળ બનાવી છે.
વિકાસની રફતાર સાથે જનસેવા નિર્ધારના ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સરકારમાં નેતૃત્વ કરતા તમામ મંત્રીઓ ગુજરાતના વિકાસમાં આયોજનબધ્ધ કામગીરી કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં પાણીની ‘નલ સે જલ’ યોજના માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો હતો. જે આજે સાચા અર્થમાં સાકાર થઈ રહ્યો છે. આયોજનના ભાગરૂપે ઉકાઈ ડેમનો પાંચ જિલ્લાને લાભ મળ્યો છે. સરકાર દ્વારા સુકા વિસ્તારને પિયત કરી શકે તેવી લીફ્ટ ઇરીગેશન યોજના થકી આદિવાસી વિસ્તારમાં પાણીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સરપંચથી લઈને ધારાસભ્ય સુધી અનેક ચઢાવ-ઉતાર બાદ આપ સૌના સાથ અને સહકારથી આજે આપની સમક્ષ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાનુ ગૌરવ પ્રાપ્ત થયુ છે. જે ધન્યવાદને પાત્ર છે.
કોરોના વાયરસની બીજી લહેર આપણા સૌના માટે ખુબ જ ખરાબ હતી. આવા સમયે સરકારના પ્રોજેક્ટો પણ ધીમા પડ્યા હતા. હવે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ ૧૦૦ દિવસના સંકલ્પથી જે કામ બાકી છે તેને પૂર્ણ કરવાનુ આહવાન કર્યુ છે. ત્યારે આપણે સૌ સાથે મળી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રને નવી ઊંચાઈ પર લઈ જવા સંકલ્પબધ્ધ બનીએ.
જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવાએ ઉદબોધન કરતા જણાવ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણા વિસ્તારમાં ચાર જેટલા મંત્રીઓ આપણને મળ્યા છે. ભૂતકાળમાં કોગ્રેંસે વોટ બેન્ક તરીકે આપણા આદિજાતિ વિસ્તારના લોકોનો ઉપયોગ કર્યો છે. જ્યારે ભાજપના શાસનમાં આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યુ છે. સમાજની ચિંતા કરી છે. શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ વિગેરે ક્ષેત્રોમાં સરકારે મન મૂકી વિકાસ કર્યો છે. આદિજાતિ નિગમના ડિરેક્ટર પરેશભાઈ વસાવાએ જણાવ્યુ કે, આપણા વડાપ્રધાનશ્રીએ જે યોજનાઓ કરી છે તેમાં દરેક સમાજના લોકોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે.
જન આશીર્વાદ યાત્રા સ્વામીનારાયણ મંદિર ઉકાઈથી શરૂ થઈ ઊર્જાનગર ઉકાઈ, સીપીએમ ચાર રસ્તા, સોનગઢ નગર, અગ્રસેન ભવન, ડોસવાડા, ચોરવાડ, વ્યારા નગર ટાઉન હોલ, જેસીંગપુરા, ગઢત, બુહારી, વાલોડ, બુટવાડા, બાજીપુરા થઈ સાંજે બારડોલી રવાના થઈ હતી. મંત્રીશ્રી સહિત મહાનુભાવોનુ પારંપારિક ગામીત આદિવાસી ઢોલ સાથે અગ્રસેન ભવન ખાતે સ્વાગત કરાયુ હતું. આ સ્થળે સરકારની વિવિધ યોજનાઓના લાભો મેળવવા અંગે પ્રદર્શન રજૂ કરાયુ હતું.
આ પ્રસંગે સંગઠન પ્રમુખ ડો. જયરામભાઈ ગામીત, સોનગઢ નગરપાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ, ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખ યાકુબભાઈ ગામીત, સોનગઢ-નિઝર-કુકરમુન્ડા સંગઠન પ્રમુખશ્રીઓ દામુભાઈ, દક્ષાબેન વસાવે, અજયભાઈ, મહામંત્રી વિક્રમભાઈ તરસાડિયા, પંકજભાઈ ચૌધરી, મયંકભાઈ જોશી, શિક્ષણ સમિતિ અધ્યક્ષા સરિતાબેન વસાવા, મહિલા મોરચા પ્રમુખ કૈલાશબેન, આદિજાતિ મોરચાના રાજેન્દ્ર કુંવર, જન આશિર્વાદ યાત્રા ઇન્ચાર્જ હેતલભાઈ મહેતા, કુલિનભાઈ પ્રધાન, માજી ધારાસભ્ય સુભાષભાઈ પાડવી, સોનગઢ નગરપ્રમુખ અશોકભાઈ પાઠક સહિત પાર્ટીના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહી જન આશીર્વાદ યાત્રાને સફળ બનાવી હતી.
**************