ICDS અને સ્પર્શ ફાઉન્ડેશન જે.કે.પેપર મીલના સંયુક્ત ઉપક્રમે સોનગઢ વિસ્તારના ૧૦૫ અતિકુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું
(માહિતી બ્યુરો દ્વારા, તાપી-વ્યારા) ૩૦ : મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત ૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય પોષણ માસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કુપોષણને દુર કરવા માટે ICDS સોનગઢ ઘટક-૧ જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં કુપોષણ મુક્ત એક પગલા સ્વરૂપે સ્પર્શ ફાઉન્ડેશન જે.કે.પેપર મીલ લીમીટેડ સોનગઢના સૌજન્યથી આ વિસ્તારના ૧૦૫ અતિ કુપોષિત બાળકોને વાલીઓની હાજરીમાં નાગલીના લાડુની પોષણ કીટનું માનનીય જિલ્લા વિકાસ અધીકારી ડી.ડી.કાપડિયા અને સ્પર્શ ફાઉંડેશનના E.V.P.W મુકુલ વર્માના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ડી.ડી.ઓશ્રી કાપડિયાએ કુપોષણને દુર કરવાના પગલાઓ રૂપે THRના પેકેટના યોગ્ય ઉપયોગ થકી બાળકોમાં પોષણ અંગે તેમજ વાલીઓને પોષણ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારના બાળકો જ્યા સુધી કુપોષણ મુક્ત ના થાય ત્યાં સુધી તેમણે પોષણ કીટ આપવામાં અંગે જણાવી ઉપસ્થિત સૌને આપણા જિલ્લાના તમામ બાળકો કુપોષણ મુક્ત થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી આશાબેન વસાવા, પ્રોગ્રામ ઓફીસર એ.ટી.પટેલ, સી.ડી.પી.ઓ સોનગઢ જસ્મિના ચૌધરી, સી.ડી.પી.ઓ ઉચ્છલ, સ્પર્શ ફાઉંડેશન અને ICDS સોનગઢના કર્મચારીઓ ઉપસ્થિત હાજર રહ્યા હતા.