તાપી જિલ્લામાં ૨૫ નવેમ્બરથી શાળાના ૨ લાખ જેટલા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં ૨૫ નવેમ્બરથી 30 જાન્યુઆરી સુધી જીલ્લાની આંગણવાડી, સરકારી, ખાનગી, તમામ શાળાના અને શાળા એ ન જતા બાળકો એમ કુલ ૧.૯૧ લાખ બાળકો ની આરોગ્ય તપાસ કરવાનું આયોજન કરાયું છે . જીલ્લા કલેક્ટરશ્રી હાલાણીસાહેબ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહાસિંગ મેડમના નેતૃત્વ હેઠળ શાળા આરોગ્ય કાર્યક્રમની સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ ( SH – RBSK ) અંતર્ગત ચર્ચા વિચારણા કરાઈ હતી. તાપી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હર્ષદ પટેલ દ્વારા તા. ૨૫-૧૧-૨૦૧૮ થી તા. ૩૦-૦૧-ર0ર0 દરમ્યાન ચાલનાર શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના આયોજનની માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જીલ્લાની ૧૦૮૬ આંગણવાડી, ૮૬૦ પ્રાથમિક શાળા, ૧૨૦ માધ્યમિક શાળા, ૮૦ આશ્રમ શાળા, ૨ કસ્તુરબા આશ્રમ શાળા, ૨ કેન્દ્રીય શાળા, ૧ ચિલ્ડ્રન હોમ એમ ખાનગી અને સરકારી મળીને કુલ ૨૧૫૧ સંસ્થાઓમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્વાથ્ય કાર્યક્રમ ( SH – RBSK ) યોજાવાનો છે. જે પૈકી આંગણવાડીના ૫૭૭૩૨, પ્રાથમિક શાળા ના ૮૬૨૩૦, માધ્યમિક શાળાના ૨૮૫૧૭, આશ્રમ શાળાના ૧૩૨૩૮, કસ્તુરબા શાળાના ૨૫૮, ચિલ્ડ્રન હોમ ના ૨૬, કેન્દ્રીય વિદ્યાલય ના ૧૧૭૮ અને શાળા એ ન જતા ૪૬૫૪ એમ મળીને કુલ ૧૯૧૮૩૩ જેટલા બાળકોની તપાસણી આ કાર્યક્રમ અંતર્ગત કરાશે. જેમાં તાપી જીલ્લા ની ૧૪ આર.બી. એસ.કે.ની ટીમ આ બાળકોની આરોગ્ય ચકાસણી કરશે.
આ કાર્યક્રમ અંતર્ગત કોઈ પણ બાળક આરોગ્ય તપાસણી કાર્યક્રમથી બાકાત રહી ના જાય તેની વિશેષ કાળજી લેવા જરૂરી સુચન અને માર્ગદર્શન આપી શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ ને સફળ કરવા હાકલ કરી હતી. આ સાથે દરેક શાળાઓમાં ૫ દિવસ સુધી શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્વાથ્ય કાર્યક્રમની ઉજવણી કરાશે. જેમાં પ્રથમ દિવસને સ્વચ્છતા દિવસ, બીજા દિવસને આરોગ્ય તપાસણી દિવસ, ત્રીજા દિવસને પોષણ દિવસ, ચોથા દિવસને તબીબી તપાસણી દિવસ અને પાંચમા દિવસને સાંસ્કૃતીક દિવસ તરીકે ઉજવવામાં આવશે . આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં અને વાલીઓમાં બાળકોના આરોગ્ય અને સ્વચ્છતાની જાગરુક્તા આવશે.