ડાંગ : સાપુતારા સામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઠેરઠેર ભેખડો ધસી પડતા વાહન વ્યવહાર ખોરવાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ ને પગલે ભારે ખાના ખરાબી સર્જાઈ છે. સાપુતારા ના વન ચેતનાની દીવાલ ધસી પડતા વાહનોને નુકસાન થયું હતું, જ્યારે સાપુતારા સામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઠેરઠેર ભેખડો ધસી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં મંગળવારે સવારે સમગ્ર પંથકમાં સાંબેલાધાર વરસાદ ને પગલે ત્રણેય નદીઓમાં ઘોડાપુર સર્જાયા હતા. ગિરિમથક સાપુતારા ખાતે ભારે વરસાદને કારણે વન ચેતના પાસે આવેલ સંરક્ષણ દીવાલ પાસે વરસાદી પાણીનો ભરાવો થતા દીવાલ ધસી પડતા ત્યાં પાર્ક કરેલ વાહનો પર દીવાલ પડતા વ્યાપક નુકસાન થયું હતું. જ્યારે પાણી આસપાસના ધાબાઓ માં ઘુસી જતા નુકસાન થયું હતું. સાપુતારા સામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઘાટમાર્ગ માં ભેખડો સહિત પથ્થર ની શિલાઓ ધસી પડતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો. આ લખાય છે ત્યારે પણ વરસાદ જારી રહેતા તંત્ર ને માર્ગ ખુલ્લો કરવા તકલીફ પડી હતી.