KBCમાં ઘરનો કજિયો જાહેર કરનારી પત્ની સામે પતિ ખફા: મામલો કોર્ટમાં
કૌન બનેગા કરોડપતિ શોમાં સ્પર્ધકો દરરોજ લાખો રૂપિયા જીતી રહ્યા છે. હોટ સીટ પર પહોંચ્યા બાદ બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન સ્પર્ધકોને તેમના જીવન સંઘર્ષો અને સિદ્ધિઓ વિશે પૂછે છે. ગયા મહિને એક એપિસોડમાં કેબીસીમાં ભાગ લેનાર સ્પર્ધક શ્રદ્ધા ખરેએ તેના જીવનના સંઘર્ષો વિશે વાત કરી હતી. હવે શ્રદ્ધાના પતિએ શ્રદ્ધા, સોની ટીવી અને અમિતાભ બચ્ચન સામે અંગત બાબતો દેખાડવા બદલ કેસ દાખલ કર્યો છે.
શ્રદ્ધા ખરે પર તેના પતિ વિનય ખરેએ રાષ્ટ્રીય ટીવી પર તેની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. 20 સપ્ટેમ્બરે વિનય ખરેએ પોતાના ટ્વિટર પર આ મામલાની જાણકારી આપી હતી. હકિકતમાં શ્રદ્ધા ખરે અને વિનય વચ્ચે સ્થિતી સામાન્ય નથી અને તેમની લડાઈ હવે કોર્ટ સુધી પહોંચી છે. કેબીસી હોટ સીટ પર બેઠેલી શ્રદ્ધાએ અમિતાભ બચ્ચન સમક્ષ પોતાની તમામ પીડા વ્યક્ત કરી હતી.
શ્રદ્ધાએ ટીવી પર કહ્યું કે, તેનો પતિ તેને સપોર્ટ કરતો નથી. શ્રદ્ધા તેના અંડર ટ્રાયલ કેસ વિશે જણાવતી વખતે પણ ભાવુક થઈ ગઈ હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચન તેમને ચૂપચાપ સાંભળતા રહ્યા. આ એપિસોડના ટેલિકાસ્ટ બાદ હવે વિનય ખરેએ તેની પત્ની અને ચેનલ સામે કેસ દાખલ કર્યો છે.
નોટિસનો સ્ક્રીનશોટ શેર કરતા વિનય ખરેએ લખ્યું કે, મારી પત્ની કેબીસીની હોટ સીટ પર બેઠી હતી અને તેણે અંડર ટ્રાયલ કેસમાં મારું અપમાન કર્યું છે. એટલા માટે આ લીગલ નોટિસ મોકલી છે. આ વ્યક્તિએ તેની પત્ની પર કાયદો પોતાના હાથમાં લેવાનો આરોપ લગાવ્યો છે. શ્રદ્ધા ખરેએ શો દરમિયાન કહ્યું હતું કે, તેના પતિએ ક્યારેય તેને સપોર્ટ કર્યો નથી. વિનય ખરેએ પણ પોતાના ટ્વીટમાં આનો જવાબ આપ્યો છે.
વિનયે લખ્યું કે, મેં મારી બધી બચત મારી પત્નીને આંત્રપ્રિન્યોર બનાવવા માટે લગાવી. આજે તે આંતરરાષ્ટ્રીય બિઝનેસ ચલાવે છે અને તેના કેસના કારણે હું બેકાર
છું. હવે તે અલગ અલગ કોર્ટમાં મારી પાસેથી વળતર માંગી રહી છે. ચેનલ પર નિશાન સાધતા વિનયે કહ્યું કે, ચેનલના લોકો અંડર ટ્રાયલ કેસમાં કેવી રીતે એકતરફી બતાવી શકે છે.
વિનય ખરે તેના એક ઇન્ટરવ્યુમાં કહે છે કે, જો હું આતંકવાદી હોત અને મારી સામે કેસ ચાલતો હોત અને હું કેબીસીમાં આવ્યો હોત અને મારી વાત રાષ્ટ્રીય હિત વિરુદ્ધ હોત તો શું કેબીસી બીજી બાજુ જાણ્યા વગર તેને પ્રસારિત કરેત? તમને જણાવી દઈએ કે શોમાં પહોંચેલી શ્રદ્ધાનું નસીબ સારું નહોતું, તે માત્ર 10 હજાર રૂપિયા જ જીતી શકી હતી. તે જ સમયે, હવે તેણે તેના પતિ સાથે બીજા કેસમાં કાનૂની લડાઈ લડવી પડશે.