ગિરિમથક સાપુતારાના સર્પગંગા તળાવમાં બ્યુટીફીકેસનની કામગીરીમાં ઇજારદાર દ્વારા નકરી વેઠ ઉતરતા હોવાની પોલ ખૂલી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારાના હાર્દસમાં સર્પગંગા તળાવમાં બ્યુટીફીકેસનની કામગીરીમાં ઇજારદાર દ્વારા નકરી વેઠ ઉતરતા હોવાની ફરિયાદ ને પગલે ડાંગ જિલ્લા પંચાયતના બાંધકામ અધ્યક્ષ અને આહવા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા સ્થળ તપાસ હાથ ધરતા ઇજારદાર દ્વારા આચરાતી ગોબચારીની પોલ ખુલ્લી જવા પામી છે. સમગ્ર પ્રકરણમાં બાંધકામ અધ્યક્ષ દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરતા ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારાના હાર્દસમાં સર્પગંગા તળાવના ફરતે કરોડો રૂપિયાના ખર્ચે સુંદરતામાં વધારો કરવાની કામગીરી પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહેલા બાંધકામમાં ઇજારદાર દ્વારા નકરી વેઠ ઉતારાતી હોવાની સ્થાનિકોની ફરિયાદ ને આધારે જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાંવીત, અને તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત દ્વારા સ્થળ તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી હતી. તળાવના ફરતે નિર્માણ થઈ રહેલા વોકવે પાથ ના પાયામાં માસ્ક કોન્ક્રીટ કર્યા વગર ઉપરછલું માટીમાં બ્લોક પાથરી દેવાતા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહેલી વોક વે પાથ તકલાદી કામગીરી ને પગલે બિસમાર બની બિન ઉપયોગી સાબિત થાય તેવી શકયતા રહેલી છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહેલ કામગીરીમાં સરકારી સુપરવિઝન નો અભાવ જણાય રહ્યો છે, જેના કારણે ઇજારદારને તકલાદી કામગીરી કરવા મોકળું મેદાન મળી રહ્યું છે. તળાવના સુંદરતામાં વધારો કરવાની કામગીરીમાં તદ્દન હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાતું હોવાનું બાંધકામ અધ્યક્ષના સ્થળ મુલાકાતમાં ખુલવા પામ્યું હતું. ત્યારે સમગ્ર બાબતે થર્ડ પાર્ટી તપાસ હાથ ધરવા જિલ્લા પંચાયતના બાંધકામ અધ્યક્ષ દ્વારા પ્રવાસન મંત્રી સહિત તકેદારી આયોગમાં રજુઆત કરવાની તજવીજ હાથ ધરી હતી. તેવામાં સમગ્ર બાબતે તઠસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમાં બે મત નથી.