તાપી જિલ્લમાં મનરેગા કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે ગ્રામ વિકાસ વિભાગ કટીબધ્ધ

Contact News Publisher

મનરેગા મોનીટરીંગ એન્ફોર્સમેન્ટ ટીમોની રચના કરી ગ્રામ્ય સ્તરે માળખાગત સુવિધાના કામો શ્રેષ્ઠ બનાવવા એકશન પ્લાન તૈયાર : જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા.
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૨૫- તાપી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ શ્રમિકોને પુરતી રોજગારી મળે અને ગ્રામીણ અસ્કયામતોનું નિર્માણ થાય તેવા હેતુથી સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા માળખાગત સુવિધાના જુદા જુદા કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ કામોની પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગે કટીબધ્ધતા વ્યક્ત કરી છે.
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતું કે સમગ્ર તાપી જિલ્લામાં તમામ તાલુકાઓમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના હેઠળ સરકારશ્રીની જુદી જુદી કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વિવિધ કામોનું આયોજન હાથ ધરવામાં આવે છે. જેવા કે તળાવ ઉંડા કરવા,સામુહિક કુવા, રસ્તા માટી મેટલના કામો, આંગણવાડી, શાળાના કંપાઉન્ડવોલ,પેવર બ્લોકના કામો,આંતરીક રસ્તા,વનીકરણ, જળસંચયના કામો, કેટલશેડ,સૂએઝ ગટર વ્યવસ્થા,શૌચાલય બનાવવા વિગેરે કામો મંજૂર કરવામાં આવેલા છે. આ કામોનું અમલીકરણ જે તે વિભાગો તેમજ તાલુકા કક્ષાએ આયોજન કરી પ્રશાસન અને પદાધિકારીઓના સંકલન સાથે સમયમર્યાદામાં કામો પૂર્ણ થાય તેવા લક્ષ્ય સાથે યોજનાકીય કામો કરવામાં આવે છે. સરકારશ્રીના આ વિકાસલક્ષી કામોમાં ક્યાંય ગેરરિતી ન થાય અને સંપૂર્ણ પારદર્શક રીતે કામો થાય તેમજ તાપી જિલ્લાના લોકોને સંતોષ થાય તેવા ઉમદા આશય સાથે ‘મનરેગા મોનીટરીંગ એન્ફોર્સમેન્ટ સેલ’ની રચના કરવામાં આવી છે. જેમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓના નેતૃત્વમાં ટેકનીકલ કર્મચારીઓ સહિતની કુલ ૪ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમ રેન્ડમલી આકસ્મિક ચેકીંગ હાથ ધરશે અને જ્યાં પણ મનરેગા કામો શરૂ થયા હોય, કામ ચાલુ હોય તેમજ થોડુ કામ પૂર્ણ થાય ત્યારે જિલ્લાની આ મોનીટરીંગ ટીમ દ્વારા ઓચિંતી સ્થળ તપાસણી કરી વિડિયોગ્રાફી/ફોટોગ્રાફી કરવામાં આવશે.તેમજ ચેક લીસ્ટ મુજબ સંપૂર્ણ અહેવાલ જિલ્લામાં રજુ કરશે. મોનીટરીંગ ટીમ ક્યાં જશે તેની સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવશે જેથી કામગીરી સારી રીતે કરી શકાય.
સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ કામો તાપી જિલ્લામાં થાય એવી અપેક્ષા સાથે જિલ્લા વિકાસ અધિકારી કાપડિયા દ્વારા અમલીકરણ અધિકારીઓને ક્યાંય ઢીલાશ ન થાય તે માટે તાકીદ કરવામાં આવી છે. વધુમાં મનરેગાના કામોમાં કોઈપણ ગેરરિતી જણાશે તો પોલીસ કેસ સુધીની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તાપી જિલ્લામાં કામોની ગુણવત્તા ઉત્તમ પ્રકારની બની રહે, લોકોની કોઈપણ પ્રકારની ફરિયાદ ન રહે તેની તકેદારી રાખવા તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other