સોનગઢ નગર પાલિકાએ શાકભાજી માર્કેટમાં દબાણો હટાવ્યા
દબાણો ફરી ના થાય એ જોવાની જવાબદારી કોની ?
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ નગરમા આવેલ શાકભાજી માર્કેટમા ખરીદી અર્થે આવતા ગ્રાહકો અને રાહદારીઓને પગપાળા ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી જેની વારંવાર ફરિયાદો ઉઠતા પાલિકાએ શાકભાજી માર્કેટમાં દબાણો હટાવ્યા હતા. શાકભાજી માર્કેટમાં દબાણોને લઈને ગંદકીનો માહોલ તેમજ ટ્રાફિક સમસ્યાને લઈને ફરિયાદો કરવામા આવી હતી કે શાકભાજી માર્કેટમાં વેપારીઓ પોતાની દુકાનો આગળ લારી-ટેબલ ગોઠવી દબાણ કરે છે જેને પગલે શાકભાજી માર્કેટમા ખરીદી અર્થે આવતા ગ્રાહકો અને રાહદારીઓને પગપાળા ચાલવામાં પણ મુશ્કેલી તેમજ ટુ વ્હીલર ચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જેના પગલે સોનગઢ નગર પાલિકા સ્ટાફ અને ફાયર સ્ટાફ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
પાલિકા તંત્રએ દબાણો દૂર કરવાની કામગીરી કરી સંતોષ તો માની લીધો પરંતુ હંમેશના જેમ આ વખતે પણ વેપારીઓ થોડાં દિવસોમાં લોકોને અવરજવર કરવામાં અવરોધક લારી-ટેબલ ગોઠવી ફરીથી દબાણો કરશે એ જોતાં રહેવાની જવાબદારી કોણ લેશે ?