ડાંગરની આદર્શ ખેતી પધ્ધતિ “સીરા” ઉપર ખેડૂતલક્ષી સેમીનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતના આઝાદી મહોત્સવ અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) અંતર્ગત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ, વ્યારાના સંયુકત ઉપક્રમે વરસાદ આધારિત રોપાણ ડાંગરની આદર્શ ખેતી પધ્ધતિ “સીરા” ઉપર ખેડૂતલક્ષી સેમીનાર તા. ૧૮/૦૮/૨૦૨૧ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાતે યોજાયો હતો. જેમાં તાપી જિલ્લાના કુલ ૮૫ ખેડુત ભાઇ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ અને નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારીના માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલએ કૃષિક્ષેત્રે આધુનિક સંશોધનો તેમજ નવીન તાંત્રિક્તાઓના ઉપયોગ થકી ખેતીમાં વધુ ઉત્પાદન તેમજ આવક મેળવે તે અંગે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ડાંગરમાં રોપાણની જાપાનીઝ પધ્ધતિ તેમજ નવી “સીરા” અને “શ્રી” પધ્ધતિ વિષે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. વધુમાં તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા, પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારા અને પોલિટેકનીક ઇન એગ્રીકલ્ચર, વ્યારા દ્વારા કરવામાં આવતી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમના અતિથિવિશેષશ્રી અને ન.કૃ.યુ, નવસારીના સહ સંશોધન નિયામકશ્રી ડૉ. વી. આર. નાયકએ ડાંગરની નવી સંશોધિત જાતોને અપનાવી સીરા પધ્ધતિ દ્વારા ખાતરનો બચાવ કરવા પ્રેરણા આપી હતી.
પ્રો. કે.એન.રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)એ વરસાદ આધારિત રોપાણ ડાંગરની આદર્શ ખેતી પધ્ધતિ “સીરા” વિષે ખેડૂતોને વિસ્તૃત માહિતી ઓડિયો વિઝ્યુઅલ સાધનો દ્વારા પૂરી પાડી હતી. ડૉ. મિનલ પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકએ ગુજરાત રાજ્યના ખેડુતો માટે ભલામણ થયેલી ડાંગરની વિવિધ જાતો વિષે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. કેદરનાથ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકએ ડાંગરના રોગ જીવાત અને નિયંત્રણ વિષે ખેડુતોને પ્રત્યક્ષ નમુનાઓ બતાવી સમજ આપી હતી.
કાર્યક્રમમાં ખેડુતો વિષે પુછવામાં આવેલા પ્રશ્નોનોનું વૈજ્ઞાનિકો દ્વારા સંતોષકારાક નિરાકરણ કરવામાં આવ્યુ હતુ. આભાર વિધિ કે.વિ.કેના વડા ડૉ. સી.ડી. પંડયાએ અને કાર્યક્રમનું સંચાલન ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ)એ કર્યુ હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કે.વિ.કે. અને પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારાની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી.