સોનગઢ તાલુકાના ગરીબ લોકોને મદદરૂપ થવાની અનોખી પહેલ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજરોજ સોનગઢ તાલુકાના ગરીબ લોકોને મદદરૂપ થવાની એક અધિકારીએ અનોખી પહેલ શરૂ કરી છે જે કામગીરી પ્રેરણાદાયી બની છે. મોટાભાગના અધિકારીઓની લોકોમાં છાપ એવી હોય છે કે અધિકારીઓ કામ કરી આપતા નથી ધક્કા વધુ મરાવે છે સમય પર હાજર રહેતા નથી પરંતુ અહીં એક અનોખી પહેલ થઈ રહી છે જે બીજા અધિકારી માટે પ્રેરણાદાયી છે.
સોનગઢના ટોકરવા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કોલોની ફળીયામાં કોટવાળીયા સમાજની વિધવા બહેનો જેમની પાસે પતિના મરણ ના દાખલા ન હોવાથી વિધવા સહાયના ફોર્મ ભરી શકતા ન હતા. જેથી છૂટક રોજગાર ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે જે વાત તલાટી શ્રી વિજયભાઈ દેસાઈના ધ્યાને આવતા તમામ ના ઘરે જઈ ગ્રામ પંચાયતની ઓફીસે રૂબરૂ બોલાવી જૂનો રેકોર્ડ શોધી તમામ ને તાત્કાલિક મરણ ના દાખલા આપ્યા હતા અને તરતજ વિધવા સહાય ના ફોર્મ ભરી આપ્યા હતા. અને તમામના ફોર્મ મામલતદાર કચેરી સોનગઢ ખાતે આજે જ જમા કરાવી દીધા હતા. સાથે તમામ વિધવા બહેનો ને બપોરે ચા-નાસ્તો કરાવ્યો હતો અને ફોર્મ ભર્યા પછી દરેક બહેનો ને ફ્રૂટ વિતરણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. આવી અનોખી નવી પહેલ કરવા બદલ તલાટીશ્રી વિજયભાઈ દેસાઈ( જિલ્લા તલાટી મંડળ ઉપ પ્રમુખશ્રી) નો કોટવાળીયા દસરીબેન મગનભાઈ, ન્હાનીબેન કિંકાભાઈ, લીંબુબેન ઇસરિયાભાઈ, ઝીણીબેન દિલીપભાઈ વગરે બહેનો સાથે ગ્રામજનોએ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.