તાપી જિલ્લામાં બોર્ડર વિલેજ યોજના હેઠળ અંદાજિત રૂપિયા ૩૭૯ લાખના પ્રાથમિક શાળાના કામો મંજુર કરવામાં આવ્યા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): તા.19: તાપી જિલ્લામાં સંકલિત આદિજાતી વિસ્તારની બોર્ડર વિલેજ યોજના અમલી છે.આ યોજના હેઠળ બોર્ડર વિસ્તારમાં આવેલા ગામો કે જયાં પાયાની સુવિધાથી વંચિત હોય તેવાં ગામોને આવરી લઈ લોકોનાં વિકાસ માટે બોર્ડર વિલેજમાં છ પાયાની સુવિધા જેવી કે આવાસ, પીવાનું પાણી, શિક્ષણ, રસ્તા, રોજગારી આપવામાં આવે છે.
તાપી જિલ્લામાં બોર્ડર વિલેજ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧માં વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવશે. જેમાં અંદાજિત કુલ રૂ.૨૩૫ લાખના ખર્ચે ઉચ્છલ, નિઝર, સોનગઢ અને કુકરમુંડા તાલુકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩ ડી એજ્યુકેશન ચાર્ટ વિથ વોલ ફીટીંગ સાથે પુરા પાડવા, નિઝર, કુકરમુંડા, સોનગઢ, અને ઉચ્છલ તાલુકાની પ્રા.શાળામાં ક્રિડાંગણના સાધનો પુરા પાડવા તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, તાપી હસ્તક્ની તમામ જે.જી.બી.વી મોડેલ સ્કુલ અને પ્રા.શાળાઓમા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરાનાર સાહિત્ય આપવામાં આવશે.
ઉપરાંત અંદાજિત રૂ. કુલ-૧૪૪.૩૩ના ખર્ચે પ્રાથમિક શાળાઓમાં ક્ન્યા-કુમાર-સી.ડબલ્યુ.એસ.એન-ટોયલેટ, શાળા રીપેરીંગ, ફીટ ઇન્ડિયા સ્પોર્ટ શાળા, રેઇન વોટર હારવેસ્ટીંગના કામો મળીને અંદાજીત કુલ-રૂ.૩૭૯ લાખના ખર્ચે વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવશે.
આ કામોના પરિણામે વિકલાંગ બાળકોને સરળતા માટે રેમ્પ, રેલીંગ સાથે સુવિધાસભર બાંધકામ મળશે. હેંડવોશ સહિત ટોઇલેટસની સુવિધા, વરસાદી પાણીનો સંગ્રહ, રમત ગમત અને શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થઇ અભ્યાસમાં અભિરૂચી કેળવવાની સાથે બાળકો આદિજાતી અસ્મિતાથી વાકેફ થશે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અખાબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦