તાપી જિલ્લામાં કલેકટર,ડીડીઓ અને પોલીસ વડાની ઉપસ્થિતિમાં ટીચકીયા,બાજીપુરા અને ઘાટા ગામે વેક્સિનેશન ઝૂંબેશ
સોનગઢ તાલુકાના ટીચકીયા ગામે ૪૫ વર્ષથી ઉપર સો ટકા રસીકરણ,બાજીપુરા અને ઘાટા ગામે જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંયુક્ત પ્રયાસથી રસીકરણ માટે ગ્રામજનોમાં ઉત્સાહ વધ્યો..
……..……
વેક્સિન વિશેની અફવાઓથી દુર રહી સરકારશ્રીના અભિયાનને જનભાગીદારીથી સાર્થક બનાવીએ
– કલેકટરશ્રી આર.જે.હાલાણી.
………..…
રસીકરણ અભિયાનમાં તમામ ધર્મના આગેવાનો,પદાધિકારીઓ વહીવટીતંત્રની સાથે રહી જનસેવા એ જ પ્રભુસેવા ના મંત્રને ચરિતાર્થ કરે – જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયા
…………..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૧૦- સમગ્ર વિશ્વમાં કોરોના કહેરથી બચવા માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોના વાઈરસની ભયાનકતા સામે ઝઝુમવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી તમામ લોકોની તંદુરસ્તી જળવાય તે માટે જહેમતભરી કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના સામે ઢાલની જેમ રક્ષણ આપતી વેક્સિન તમામ લોકો સુધી પહોંચે અને લોકો સુરક્ષીત બની જાય તે માટે સરકાર કટીબધ્ધ છે.
આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા,વાલોડ તાલુકાના બાજીપુરા અને વ્યારા તાલુકાના ઘાટા ગામે(સ્વામીનારાયણ મંદિર) ખાતે કલેકટર આર.જે.હાલાણી,જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદાર ની ઉપસ્થિતિમાં ઝૂંબેશ સ્વરૂપે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં તમામ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઇ રસીકરણની કામગીરીને વેગવાન બનાવી હતી.
કલેકટર શ્રી આર.જે.હાલાણીએ લોકોને વેક્સિન વિશેની ભ્રામક વાતોથી દુર રહી ખોટી માન્યતાઓમાં ન દોરાવા અપીલ કરી હતી. સાથે સોશ્યલ મીડિયાના ખોટા મેસેજ મળે તો આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવા પણ અનુરોધ કર્યો હતો. વધુમાં આપણાં વૈજ્ઞાનિકોએ રાત દિવસ મહેનત કરીને વેક્સિન બનાવી છે. કેટલાયે પરીક્ષણો બાદ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર એવા આરોગ્ય વિભાગના ડોકટરો,નર્સો તથા આરોગ્ય કર્મચારીઓએ સૌપ્રથમ વેક્સિન લીધી છે.ત્યારબાદ વહીવટીતંત્રના અધિકારી/કર્મચારીઓએ પણ વેક્સિન લીધી છે. આમ કોઈપણ પ્રકારની શંકા કે ડર રાખ્યા વિના સરકારના અભિયાનમાં જનભાગીદારી નોંધાવી તાપી જિલ્લો સો ટકા રસીકરણયુક્ત થાય તે માટે આહ્વાન કર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ લોકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ; કે વેક્સિનેશન વગર કોરોનાનો ઉપાય શક્ય જ નથી. ખૂબ જ રીસર્ચ કરીને આપણા વૈજ્ઞાનિકો, ડોકટરોએ કોરોના સામે બચવા માટે એકમાત્ર ઉકેલ સૂચવ્યો છે. વેક્સિનથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આપણી નૈતિક ફરજ છે કે આપણાં કુટુંબને ,સમાજને બચાવવા માટે સરકારે રસીકરણનું ખૂબ મોટુ અભિયાન આરંભ્યું છે. ત્યારે તમામ ધર્મના આગેવાનો,પદાધિકારીઓ વહીવટીતંત્રની સાથે રહી “ જનસેવા એ જ પ્રભુસેવા ” ના મંત્રને ચરીતાર્થ કરી વેક્સિનેશન કામગીરીમાં સહયોગ આપવા હાકલ કરી હતી.
જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે ટીચકીયા ગામના લોકો ને સમજ આપતા જણાવ્યું હતું કે વેક્સિનથી આપણાં કુટુંબનો બચાવ થશે. આપણાં પરિવારજનો,મિત્રો, સગા-સબંધી તમામને વેક્સિન લેવા જણાવો.જેમણે વેક્સિન લીધી છે તેઓ સુરક્ષિત છે.
મદદનીશ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટીચકીયા ગામે ૪૫ વર્ષથી ઉપરના લોકોનું સો ટકા વેક્સિનેશન થઇ ગયું તે ખૂબ જ આનંદની વાત છે. જ્યારે ૬૦ વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ ૯૫ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઇ છે.બાજીપુરા ખાતે બીજા ડોઝમાં બધા જ હરીભક્તોએ ઉત્સાહપૂર્વક રસીકરણ કરાવી લીધુ છે. જ્યારે ઘાટા ગામે પણ ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું.
રસીકરણના અભિયાનમા; સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીશ્રીઓ પૂ.આદર્શ સેવાદાસ,પૂ.યોગીતીર્થદાસ,સરપંચશ્રીઓ,આગેવાનો અને આરોગ્ય વિભાગના,આર.સી.એચ.ઓ. ડો.બીન.શ ગામીત, ડો.પરીમલ પટેલ,ડો.સુજાતા પટેલ,ડો.નિકૂંજ ચૌધરી, આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦