તાપી જિલ્લામાં ૧૫ સ્થળોએ ૧૮-૪૫ વર્ષના લાભાર્થીઓ માટે રસીકરણની વ્યવસ્થા

Contact News Publisher

આજે ૧૫૫૪ જાગૃત નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ ઉત્સાહભેર લીધો
………..
કોરોના રસીકરણમાં જિલ્લાનો કુલ આંક ૧૪૪૪૦૪ પર પહોચ્યો
……..
મહાઅભિયાનમાં જોડાઇ પોતાને કોરોનાની મહામારીથી સુરક્ષિત કરો : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ
…….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  04: ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે હવે રસીકરણને વેગવાન બનાવવા ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા છે. શુક્રવારથી ગુજરાતના તમામ જિલ્લા મથકોએ ૧૮ થી ૪૫ વર્ષના લોકોને વિનામુલ્યે રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે તાપી જિલ્લામાં ૧૮-૪૪ વર્ષના લાભાર્થીઓ માટે કુલ-૧૫ રસીકરણ સ્થળોથી કોવિડ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના માટે લાભાર્થીઓએ સૌ પ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ કન્ફર્મેશન SMS એમને મળશે. જેમાં OTP કે જે ચાર (૪) ડીજીટનો રહેશે. આ OTP કોવિડ રસીકરણ સેન્ટર ખાતે બતાવશે અને ત્યાર બાદ જ તેઓનું રસીકરણ કરવાનું રહેશે. જે લાભાર્થીઓને ઓનલાઇન રજીસ્ટેશન કરાવવામાં મુંઝવણ અનુભવાતી હોય તેઓ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર જઇ રજીસ્ટેશન માટે માર્ગદર્શન મેળવી શકે છે.
જિલ્લામાં વ્યારા તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર, ક્મ્યુનિટી હેલ્થ સેન્ટર-ટાઉનશીપ, ઉચામાળા, આનંદ સ્કુલ-નવા બસ સ્ટેન્ડની પાછળ વ્યારા, ડોલવણ તાલુકામાં સી.એચ.સી ઉપર, વાલોડ તાલુકામાં સ.ગો. હાઇસ્કુલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બુહારી ખાતે, કુકરમુંડા તાલુકામાં સી.એચ.સી ઉપર, નિઝર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલા અને વેલદા ખાતે, ઉચ્છલ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરઘાટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચીતપુર ખાતે, સોનગઢ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉકાઇ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધારપાડા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગાસવાણ,અને કુમાર શાળા સોનગઢ ખાતે રસીકરણનું સુદ્રઢ આયોજન તાપી જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહાઅભિયાનમાં જોડાઇ પોતાને કોરોનાની મહામારીથી સુરક્ષિત કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં ૧૮ થી ૪૫ વર્ષના જુથની કોરરોના વેક્સિનની કામગીરી શરૂ થઇ ચુકી છે ત્યારે વ્યારા નગરના રહેવાસી આનંદભાઇ પટેલે આજે પ્રથમ દિવસે કોરોના પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ લેતા જણાવે છે કે, “અન્ય યુવાનોની જેમ હું પણ ઘણા સમયથી અમારા વયજુથના રસીકરણની રાહ જોતો હતો. ગઇ કાલે વેક્સિનેશન બાબતે સમાચાર મળતા તરત જ ઓનલાઇન સ્લોટ બૂક કરી દિધો હતો. જેથી આજની અપોઇન્ટમેન્ટ અનુસાર મે આજે કોવેક્સિનનો પહેલો ડોઝ વ્યારા નગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે લીધો છે. મારા મતે દરેક વ્યક્તિએ વેક્સિનેશન કરાવવું જ જોઇએ. જેથી આપણે પોતે કોરોનાથી બચી શકીએ અને અન્યને પણ બચાવી શકીએ.”
તાપી જિલ્લામાં રસીકરણની પ્રક્રિયામાં યુવાનોનો ઉત્સાહ જોઇ શકાય છે. જેમાં ૧૮-૪૪ વર્ષના લાભાર્થીઓમાં અત્યાર સુધીના આંક મુજબ વ્યારા તાલુકામાં ૪૯૪ ડોલવણમાં ૫૧ વાલોડમાં ૩૩૧ સોનગઢમાં ૪૧૬ ઉચ્છલમાં ૫૨ નિઝરમાં ૧૧૮ અને કુકરમુંડામાં ૯૨ લોકો મળી કુલ- ૧૫૫૪ જાગૃત નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસી ઉત્સાહભેર લીધી છે. આ સાથે આજદિન સુધી જિલ્લામાં કોરોના રસીકરણનો આંક ૧૪૪૪૦૪ પર પહોચી ગયો છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૩૫૩૪૬ ડોલવણમાં ૧૭૬૧૬ વાલોડમાં ૧૭૩૭૭ સોનગઢમાં ૪૧૭૨૦ ઉચ્છલમાં ૧૪૧૭૯ નિઝરમાં ૧૧૩૩૬ કુકરમુંડામાં ૬૮૩૦ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે. એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other