દુનિયામાં જાદુ ક્યાંય નથી પરંતુ ઝડપનું નામ જાદુ : જાદુગર અભય
આર્થિક પરિસ્થિતિ નાજૂક હોવા છતા બીજા ક્ષેત્રે જોડાવાના બદલે જાદુની કલાને જીવતી રાખવા પોતાને સમર્પિત કરનાર અભય જાદુગરને સલામ
………….
વિશ્વસ્તરીય જાદુની સ્પર્ધામાં મોટા જાદૂગરોને પછાડીને અભય જાદુગરે બીજો ક્રમ હાંસલ કરી તાપી જિલ્લા સહિત રાજ્ય અને દેશના તમામ નાગરિકોને ગૌરવ અપાવ્યું છે. “જાદુગર કા જાદુ હાથો કા કમાલ હૈ, કરતે હો તુમ કૈસે સબકા યે સવાલ હૈ” આ લાઈન ખરેખર અભય જાદુગર માટે યથાર્ત છે.
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 03: બાળપણમાં ઘણા લોકોએ સર્કસમાં તથા કાર્યક્રમોમાં જાદુગરોને જાદુ કરતા જોયા છે. સૌને વિચાર આવતો કે જાદુગર પાસે એવી તો કેવી કલા છે જે લોકોને બોક્સમાંથી ગાયબ કરે તથા શરીરના અંગોને બે ભાગમાં વહેંચી દે છે. પરંતુ આજનો સમય ઘણો બદલાઈ ગયો છે, આજનો જમાનો યંત્રબદ્ધ અને સોશિયલ મીડિયાનો છે. જ્યાં નવી પેઢીને જાદુની પ્રાચીન કલા સાથે સાંકળવો પડકાર સમાન લાગી રહ્યો છે. આજે જાદુની કલા લુપ્ત થઈ રહી છે. જો કે જાદુની આ સાંસ્કૃતિક કલાને જીવંત રાખવા માટે નાના-મોટા ઘણા બધા જાદુગરો કાર્યરત છે. એમાં તાપી જિલ્લાના જાદુગર અભય દ્વારા પણ આ કલાવારસાને સાચવી રાખવા મથામણ કરી રહ્યો છે.
તાપી જિલ્લાના સોનગઢના વડપાડાના વતની જાદુગર અભયે તાજેતરમાં જ અમેરિકાની જાદુગરોની સંસ્થા આઈ.બી.એમ (ધ ઇન્ટરનેશનલ બ્રધરહુડ ઓફ મેજિશિયન) દ્વારા મે-2021માં આયોજિત ઓનલાઈન જાદુગરોની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં જુદા-જુદા 07 દેશોના 100 જાદુગરો પણ સામેલ હતા, જેમાંથી ભારતના 71 જાદૂગરો પૈકી આ હરિફાઈમાં અભયે બીજો ક્રમ હાંસલ કર્યો અને છ અલગ અલગ દેશોના જજોનાં નિર્ણયને પોતાના પક્ષમાં ફેરવવા સફળ રહ્યા હતા. ઓનલાઈન સ્પર્ધામાં અભયે પોતાની એવી ટ્રીક રજૂ કરી જેને તેમણે હજારો વાર પ્રેક્ટિસ કરી હશે. આ ટ્રીક બીજા જાદુગરો કરી ન શક્યા તથા જેમણે કર્યુ હશે તેઓ આ ટ્રીકનો ઉપયોગ આટલા ચતુરાઈ અને ચપળતાથી કરી શક્યા ન હતા. તેથી જ કહેવાય છે કે દુનિયામાં જાદુ ક્યાંય નથી પરંતુ ઝડપનું નામ જાદુ.
તાપી જિલ્લાના જાદુગર અભય વિશ્વમાં બીજા ક્રમે આવી તાપી સહિત રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. જાદુગર અભય સાઉથ ગુજરાત મેજિક એકેડમીના પ્રેસિડન્ટ પણ છે. જાદુગર અભય જાદુની દુનિયાનો એ ચેહરો છે જેમને વિશ્વના મોટા જાદુગરોને પછાડીને પોતાની જાદુની કલાથી જજોને પ્રભાવિત કર્યા હતા. અને જાદુની વિશ્વસ્તરીય સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કરી પ્રત્યેક દેશવાસીઓને ગૌરાન્વિત થવાનો અવસર આપ્યો હતો. તેઓ દેશની સંસ્કૃતિ સાથે સંકળાયેલી 16 કલાઓ પૈકી એક કલા જાદુની કલા સાથે સંકળાયેલા છે. અભય લુપ્ત થતી જાદુની કલાને આગળ ધપાવવા તથા જાદુમાં રસ ધરાવતા યુવાનોને જોડીને આ કલાને જાળવી રાખવા સતત કામ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભલે આર્થિક પરિસ્થિતિ કેટલી પણ વિકટ કેમ ના આવે પરંતુ જાદુ સાથે અમારો સાથ જીવનભરનો છે, એના વગર જીવવું મુશ્કેલ છે.
*લુપ્ત થતી જાદુની કલાને તાપી જિલ્લાના એક પરિવારે સાચવી રાખી છે*
પિતા હિંમતભાઈ માળીએ 1964માં શરૂ કરેલ આ સફરને અભય જાદુગરે આગળ ધપાવી છે. મૂળ નામ તો નરેશ છે પરંતુ નરેશને અભય બનવામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. જોકે કહેવત છે જ કે ડોક્ટરનો દિકરો ડોક્ટર અને શિક્ષકનો દિકરો શિક્ષક બને તેવી જ રીતે જાદુગરનો દિકરો જાદુગર. પરંતુ એ સિદ્ધિ હાંસલ કરવા માટે પણ રસ, સંક્લ્પ અને મહેનત જરૂરી છે. પિતા હિંમતભાઈ જ્યારે શાળામાં જાદુ બતાવવા જતા ત્યારે બાળક નરેશ પિતાને જાદુ કરતા જોતા અને ધીમે-ધીમે તેઓએ પણ આ કલામાં નિપુણતા મેળવી છે. છેલ્લા 13 વર્ષોની વાત કરીએ તો તેમણે કેટલા જાદુના શો કર્યા હશે તેની ગણતરી કરવી મુશ્કેલ છે.
જાદુની કલા લુપ્ત થવા પાછળનું કારણ જણાવતા અભય જાદુગરે જણાવ્યું કે, ટેલિવિઝન આવવાથી જાદુની કલાને અસર થઈ હતી પરંતુ જ્યારથી મોબાઈલ અને સોશિયલ મીડિયા આવ્યા ત્યારથી જાદુની કલા ઓક્સિજન/વેન્ટિલેટર પર જતી રહી છે. આજના ઘણા બાળકો તથા યુવાનો સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા હોય છે. કોઈ જગ્યાએ શો કરવો હોય તો પણ વિચારવું પડે છે કારણ કે ઘણા માતા-પિતા પણ રસ લેતા નથી. બીજી તરફ બાળકો તો આઉટડોર પ્રવૃત્તિથી વંચિત થઈ ગયા છે. વધુમાં તેમણે કહ્યું કે, જાદુઈ કલાને કારણે બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ વધે, સાહસિકતા કેળવાય, વિચારસરણી ખીલે છે, બાળકોને ભરપુર મનોરંજન મળે છે.
અભય જાદુગરે જણાવ્યું હતું કે, વર્ષમાં ત્રણ જ મહિના એવા હોય છે કે જ્યાં જાદુ બતાવી શકાય છે. પરંતુ બોર્ડની પરીક્ષાઓ તથા આઈ.પી.એલ ટુર્નામેન્ટ, વિવિધ ઓનલાઈન ગેમ, મોબાઈલ ગેમને કારણે જાદુની કલા પર ખરાબ અસર થઈ છે. આ કલા ભારતમાં પ્રાચીન વારસાનો એક ભાગ કહી શકાય છે. જાદુની કલાનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ છે. આજની પેઢી જાદુ પ્રત્યે જિજ્ઞાસા ધરાવે તો જાદુની કલા ફરી જીવંત થઈ શકે છે, નહીં તો આ કલા લુપ્ત થવામાં વાર નહીં લાગે. અંતે તેમણે જણાવ્યું કે, જાદુની કલાને છોડવાનો વિચાર મારા મનમાં પણ કદી ન આવી શકે પરંતુ કપરી પરિસ્થિતિને કારણે ઘર ચલાવવા ચા-નાસ્તો વેચીને હાલમાં ગુજરાન ચલાવી રહ્યા છીએ. આર્થિક પરિસ્થિતિ નાજૂક હોવા છતા બીજા વ્યવસાયની સાથે સાથે જાદુની કલાને જીવતી રાખવા પોતાને સમર્પિત કરનાર અભય જાદુગરને દિલથી સલામ છે.
000000