તાપી જિલ્લામાં રસીકરણની કામગીરી પુન: શરૂ થતા આંક ૧૨૦૭૭૫ પર પહોચ્યો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): તા.૨૫: તૌકતે વાવાઝોડાના કારણે રાજ્ય સરકારની સુચના મુજબ રસીકરણની પ્રક્રિયા સ્થગિત કર્યા બાદ રાજ્યમાં રસીકરણ પુન:શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લાના ૪૦ જેટલા સ્થળોએ રસીકરણની કામગીરી પુર ઝડપે શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી ૧૨૦૭૭૫ નાગરિકોએ રસીકરણનો લાભ લીધો છે. કોરોનાની બીજી લહેરને હરાવવાના ઉપાયોમાંથી સૌથી કારગર ઉપાય કોરોના પ્રતિરોધક રસી છે. જિલ્લામાં એકંદરે કોરોનાના કેસો ઘટી રહ્યા છે. આ સમયે ઝડપથી રસીકરણ પૂર્ણ થાય તે જરૂરી છે. જેથી કોરોનાની ત્રીજી લહેરથી આપણે બચી શકીએ. તાપી જિલ્લાના દરેક તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર, પી.એચ.સી., સબ સેન્ટરો મળી કુલ ૪૦ જેટલી જગ્યાઓ ઉપર રસીકરણની પ્રક્રિયા શરૂ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ દ્વારા મળેલ માહિતી મુજબ અત્યાર સુધી તાપી જિલ્લામાં કુલ ૧૨૦૭૭૫ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં વ્યારામાં ૩૦૧૩૧, ડોલવણમાં ૧૫૦૪૦, વાલોડમાં ૧૫૬૦૬, સોનગઢમાં ૩૩૫૬૦, ઉચ્છલમાં ૧૧૫૫૩, નિઝરમાં ૯૫૧૮ અને કુકરમુંડામાં ૫૩૬૭ જેટલા લોકોને અત્યાર સુધી રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
૦૦૦૦૦૦૦૦૦