તાઉ-તે વાવાઝોડા અંગે કુકરમુંડા તાલુકાની સવિશેષ કામગીરી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.19: તાઉ-તે વાવાઝોડું ગુજરાતની સરહદે ત્રાટક્યું તે પહેલાંના ૪૮ કલાકમાં તાપી જિલ્લાના તમામ તાલુકાઓ દ્વારા આગોતરા આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં કુકરમુંડા તાલુકામાં વાવાઝોડા પહેલા લોકોનું સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર, શેલ્ટર હોમ, સ્વૈચ્છિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભોજનની આગોતરી વ્યવસ્થા, કોરોના દર્દીઓ માટેની વ્યવસ્થા, તેમજ અન્ય મહત્વની આગોતરી કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીના સંદર્ભે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી મેહુલ દેસાઇના માર્ગદર્શન હેઠળ તાલુકાના વહીવટી તંત્ર અને TDMPના તમામ અધિકારી દ્વારા વિશેષ બેઠક યોજી હતી. જેમાં કર્મચારીઓને પોતાના કાર્યક્ષેત્રના હેડકવાટર્સમાં રહી સંકલનમાં રહી કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી આ આદેશના પગલે કુકરમુંડા તાલુકામાં ૨૪*૭ કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવ્યો હતો. આ સાથે તાલુકામાં કોઇ નીચાણવાળા સ્થળો કે જ્યા પાણીનો ભરાવો થતો હોય તેવા સ્થળોને ધ્યાનમાં લઇ લોકોને ઉચાણવાળા સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આ સાથે અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા વાવાઝોડા દરમિયાન, તે પહેલા અને તે પછી રાખવાની થતી સાવચેતી અંગે લોકોને સમજણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ‘તાઉ-તે’ વાવાઝોડું જ્યારે ત્રાટક્યુ તે સમયગાળા દરમિયાન કુકરમુંડા તાલુકામાં ૨૪*૭ કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરી દર બે કલાકે વરસાદના આંકડા, તેમજ તાલુકામાં કોઇ જાનમાલને હાનિ કે નુકસાની અંગેની માહિતી વડી કચેરી સાથે સંકલનમાં રહીને સતત દેખરેખ રાખવામાં આવી હતી. આ ઉપરાંત નિર્માણ થયેલ પરિસ્થિતીને પહોંચી વળવા માટે ગ્રામ કક્ષાએ ત.ક.મંત્રીઓના સંપર્કમાં રહી કામગીરી કરવામાં આવી છે. આજ્ની પરિસ્થિતિના અનુસંધાને કુકરમુંડા તાલુકામાંથી વાવાઝોડુ પસાર થઈ ગયાં પછી કોઇ ઘટના કે બનાવા બન્યો નથી એમ મામલતદારશ્રી કુકરમુંડા દ્વારા જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦