તાપી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના દરમિયાન વહિવટી તંત્ર દ્વારા સક્રિય કામગીરી
દ.ગુ.વીજ.કં.લી. વિભાગની ક્વિક રિસ્પોન્સ ટીમોની અભીનંદન પાત્ર કામગીરી
………….
ઝાડ પડવાથી તૂટેલા વાયરો સાંધીને ૩૯૮ જેટલા ગામોમાં વીજપુરવઠો ફરી કાર્યરત કરાવ્યો
……………..
૭૯ જેટલા ફીડરોનાં ૫૭ નંગ પોલ ફરી ઉભા કર્યા
…………..
જિલ્લામાં વિવિધ વિભાગની કુલ ૮૫ ક્વિક રિસ્પોન્સ ટીમોની ખડેપગે કામગીરી
……….
-સંકલન-વૈશાલી જે. પરમાર
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.19: તાઉ-તે વાવાઝોડાની સ્થિતિ અન્ય જિલ્લાઓની સરખામણીમાં તાપી જિલ્લામાં નહિવત પ્રમાણમાં હોવા છતા જિલ્લા વહિવટી તંત્રની ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા જિલ્લા ઉપર બાજ નજર રાખી કામગીરી કરવામાં આવી રહી છે. જે કર્મચારીઓ અને અધિકારીઓની કાર્યનિષ્ઠા અને જવાબદારી પ્રત્યેની સભાનતાને દર્શાવે છે. એક તરફ કોરોના વાયરસ અને બીજી તરફ તાઉ-તે વાવાઝોડા જેવી ગંભીર સ્થિતીમાં પણ આ ટીમો દ્વારા ગર્વ લઇ શકાય તેવી કામગીરી કરી રહ્યા છે.
જિલ્લામાં સારી કે ખરાબ તમામ પ્રકારની પરીસ્થિતિ માટે તૈયાર ક્વિક રિસ્પોન્સ ટીમો બનાવવામાં આવી હતી જે ૨૪*૭ કાર્યશીલ છે. સાથે-સાથે જિલ્લામાં ૨૪*૭ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. તાઉ-તે વાવાઝોડું ગુજરાતની સરહદે ત્રાટક્યું તે પહેલાના, તે દરમિયાન અને તે પછીની સ્થિતિ માટે માઇક્રો-પ્લાનીંગથી કામગીરીની વહેચણી જિલ્લા કલેકટરશ્રી આર.જે. હાલાણી અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરી દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરીની સકારાત્મક અસર જિલ્લામાં સરળતાથી અનુભવી શકાય છે. મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફીસર, પોલીસ વિભાગ, વન વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ, માર્ગ અને મકાન, વન વિભાગ, આર.ટી.ઓ અને ડી.જી.વી.સી.એલ વિભાગ, આરોગ્ય વિભાગ,સિંચાઇ વિભાગ, બી.એસ.એન.એલ વગેરે જેવા મહત્વના તમામ વિભાગની કુલ-૮૫ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં દ.ગુ.વીજ.કં.લી. વિભાગ દ્વારા ૧૫ ટીમો બનાવવામાં આવી હતી.
તાપી જિલ્લામાં દ.ગુ.વીજ.કં.લી.નાં કાર્યપાલ ઇજનેર જે.એન.પટેલ દ્વારા મળેલ માહિતી અનુસાર વિભાગીય કચેરી વ્યારા દ્વારા આગમચેતીનાં ભાગ રૂપે વ્યારા સ્થિત ૨૩ જેટલી કોવીડ હોસ્પિટલોનાં વાયરીંગની ચકાસણી સ્વયં નાયબ ઈજનેર/જુનિયર ઈજનેર તથા વિદ્યુત નિરીક્ષક/સહાયક વિદ્યુત નિરીક્ષક સાથે મળીને કરવામાં આવેલ હતી. વીજપુરવઠો ખોરવાય તેવી પરિસ્થિતિમાં ૨૪ કલાક વીજપુરવઠો જાળવી રાખવા અને વીજપુરવઠો અવિરત ચાલુ રાખવા માટે દરેક કોવિડ હોસ્પિટલમાં જનરેટરનું મોકડ્રીલ સફળતા પુર્વક કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ૯ પેટા વિભાગીય કચેરીમાં વિભાગ દીઠ ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમમાં ૧ નાયબ ઈજનેર,૨ જુનિયર ઈજનેર,૨૫ લાઈન સ્ટાફ તથા ૨૦ કોન્ટ્રાકટર નાં માણસો સાથે કુલ ૨૭ ઈજનેર,૨૨૫ ટેકનીકલ કર્મચારી તથા ૧૮૦ કોન્ટ્રાકટરનાં માણસોની ટીમ આજે પણ કાર્યરત છે.
છેલ્લા ૨ દિવસથી વાવાઝોડાના ઓછા-વત્તા પ્રમાણના અનુભવો તાપી જિલ્લામાં જોઇ શકાય છે. આ સમય દરમિયાન ભારે પવનના કારણે વિવિધ ગામોમાં વીજપુરવઠો ખોરવાતા દ.ગુ.વીજ.કં.લી.ટીમનાં સફળ નેતૃત્વ હેઠળ ફીડરના પેટ્રોલિંગની કામગીરી કરી ૨૪ કલાકનાં જ્યોતિગ્રામ તથા અર્બન ફીડરોને પ્રાધાન્ય આપી વીજપુરવઠો સતત ચાલુ કરવામાં આવ્યો હતો. તાઉ-તે વાવાઝોડું પસાર થઇ ગયા બાદ ૭૯ જેટલા ફીડરોનાં ૫૭ નંગ પોલ ફરી પાછા ઉભા કર્યા. તેમજ ઝાડ પડવાથી તૂટેલા વાયરો સાંધીને ૩૯૮ જેટલા ગામોમાં વીજપુરવઠો ફરી કાર્યરત કરવામાં આવ્યો હતો. આ તમામ કામગીરી એક્શન મોડમાં કરવાથી જિલ્લામાં કોઇ જાનહાની-પશુહાની, અન્ય નોંધપાત્ર નુકશાન કે જાહેર જનતાને કોઇ ખાસ તકલીફ પડી નથી.
તાઉ-તે વાવાઝોડાના સંદર્ભે વિડિયો કોન્ફરંન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, આગોતરા આયોજન, આગમચેતી અને મંત્રીઓથી માંડીને રાજ્ય સરકારના નાનામાં નાના કર્મચારીના સક્રિય પ્રયત્નો તથા ગુજરાતના લોકોના અભૂતપૂર્વ સહકારથી ગુજરાત તાઉ’તે વાવાઝોડામાંથી સાંગોપાંગ મુક્ત થયું છે. ત્યારે તાપી જિલ્લાના વિવિધ વિભાગોની કુલ-૮૫ ટીમોએ પણ આ સેવાયજ્ઞમાં આહુતિ આપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જે દરેક તાપીવાસી માટે ગર્વની બાબત છે. જિલ્લાની તમામ વિભાગની ટીમોને સક્રિય કામગીરી બદલ અભિનંદન પાઠવવું યોગ્ય છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦