હાલના માણસોની અમીરી-ગરીબીપણું જાણવું હોય તો તે પશુપાલન છે : શ્રીમતી પ્રફુલાબેન દેસાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે તા. ૧૮, મે ૨૦૨૧ના રોજ “ખેડૂતોની આવક બમણી કરવા માટે પશુપાલનનું મહત્વ” વિષય ઉપર ઓનલાઈન તાલીમનું રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી ડાયલ-આઉટ કોન્ફરન્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સદર તાલીમમાં તાપી જીલ્લાના કુલ ૮૦ જેટલા પશુપાલકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.
સદર તાલીમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બોર્ડ ઓફ મેનેજમેન્ટ, ન.કૃ.યુ., નવસારીના સદસ્યશ્રી, શ્રીમતી પ્રફુલાબેન દેસાઈએ જણાવ્યું હતું કે હાલના માણસોની અમીરી-ગરીબીપણું જાણવું હોયતો તે પશુપાલન છે. કોરોનાની વિકટ પરિસ્થિતીમાં પશુપાલન થકી ખેડૂતો પોતાની આવક જાળવી રાખી છે. પશુપાલનના બે લાભ છે : આવક અને તંદુરસ્તી. તેમણે પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી આવક વધારવા હાંકલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સૂર્યના કિરણોમાં ‘ગો-કિરણ’ રહેલું છે. જેનું શોષણ ફક્ત અને ફક્ત ભારતીય દેશી ગાયોની ખૂંધ દ્વારાજ થાય છે. જેના લીધે દેશી ગાયોની દૂધની બનાવટોમાં સવર્ણ ક્ષાર બને છે. જેનું આયુર્વેદિક દ્રષ્ટિએ ખુબજ મહત્વ છે.
કાર્યક્રમના અધ્યક્ષ અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન.કૃ.યુ., નવસારીના ડો. સી. કે. ટીંબડીયાએ જણાવ્યું હતું કે વાવાઝોડાના અગમચેતી પગલા લેવા જરૂરી છે. સાવચેતી અને સલામતી એ જ આજની પરિસ્થિતિને અનુરૂપ છે. પશુપાલન એ તાપી જિલ્લાનુ મુખ્ય શસ્ત્ર છે. મહિલાઓનો પશુપાલનમાં મહત્વનો ફાળો છે. દૂધ એ દરેક વ્યક્તિની દૈનિક અને પાયાની જરૂરીયાત છે. ગૌચરની જાળવણી અને મહત્વ વિશે સમજ આપી હતી. ગૌમાતાને વિશ્વમાતા તરીકે ઓળખ આપી તેનું મહત્વ સમજાવ્યુ હતું. સુમુલ ડેરીમાં પણ તાપી જીલ્લાના પશુપાલકોનો ફાળો અગ્રિમ છે. તેમણે પશુપાલકો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો વધુમાં વધુ લાભ લે તે માટે હાંકલ કરી હતી અને આવી કપરી પરિસ્થિતીમાં પણ તાપી કેવીકે સરાહનીય પ્રવૃત્તિઓ કરે છે તેમ જણાવ્યું હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડયાએ સદર તાલીમનો હેતુ સમજાવતા જણાવ્યુ હતુ કે, તાપી જીલ્લાના અંતરિયાળ ગામડાઓમાં ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પર નિર્ભર છે. તદઉપરાંત મોટા ભાગના ખેડૂતો સીમાંત કક્ષાના હોઈ ખેતી સાથે પશુપાલન દ્વારા પોતાની આવકમાં વધારો કરી શકે છે. વધુમાં ખેતી અને પશુપાલન વ્યવસાયમાં ખેડૂતો નવીનતમ વૈજ્ઞાનિક અભિગમ અપનાવી વધુ ને વધુ નફાકારક બનાવે તે માટે આહવાન કર્યું હતુ.
કેવિકેના પશુપાલન વિભાગના વૈજ્ઞાનિક ડો. જે. બી. બુટાણીએ પશુપાલકોને ઓછા ખર્ચ થકી વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે તાંત્રીક માર્ગદર્શન પુરૂં પાડ્યુ હતુ.
તાલીમના અંતે પશુપાલકો દ્વારા પૂછાવામાં આવેલ પ્રશ્નોનું વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા સંતોષકારક નિવારણ કરાવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડો. જે. બી. બુટાણીએ કરી હતી.