તાપીના ખુશાલપુરા અને કહેર ગામે રેલ્વે ફાટકની કેબીનોને નિશાન બનાવી મોબાઈલ ફોનની ચોરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના વ્યારા તાલુકાના બે અલગ અલગ ગામોમાં એક જ રાતે બે અલગ અલગ રેલ્વે ફાટક પાસેની કેબીનો ઉપર ચોરટાઓએ મોબાઈલ ફોનની ચોરી થઈ હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામના રેલ્વે ફાટક નં . ૪૫ ઉપર આવેલ કેબીનમાં ચાર્જીંગ મૂકેલો મોબાઈલ ફોન ત્રણ અજાણ્યા ચોરો ચોરી કરી ભાગ્યા, એકને ગેટમેને પકડતા તેણે લાકડાના દંડા વડે માર મારી ત્રણેય મોટર સાયકલ ઉપર ભાગી છુટ્યા હતા તેજ રાત્રે એટલે કે તા. 14/11/19ના રોજની રાત્રે વાલોડ તાલુકાના કહેર ગામે દાદરી ફળીયા ખાતે આવેલ ફાટક નંબર એલ.સી. ૩૯ ની કેબીનમાં ગેટમેન ચન્દ્રશેખર શ્યામધર પાલ ઉ.વ.૨૭ ધંધો.નોંકરી રહે, કહેર રેલવે ક્વાટર્સ તા.વાલોડ જી.તાપી મુળ રહે, ભાણીપુર પોસ્ટ દુર્ગાગંજ તા.જી.બદોહી (પુ.પી.)એ પોતાનો ઓપ્પો ટચ સ્ક્રીન મોડલ નંબરA3S વાળો કાળા તથા લાલ કલરનો મોબાઇલ ફોન જેની અંદાજે કિંમત રૂ.૪,૦૦૦/- ની મત્તાનો ખુલ્લી બારી પાસે ચાર્જ કરવા મુકેલ હતો તે મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ઇસમ બારીમાંથી હાથ નાખી મોબાઇલ ફોન ચોરી કરી નાશી ગયો હતો. આ અંગે વાલોડ પોલીસ મથકમાં ઇ.પી.કો. કલમ 380 મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ ASI રૂપસીંગભાઇ નાનીયાભાઇ કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ રાતે તાપી જીલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા તેમજ વાલોડ તાલુકાના કહેર ગામે રેલ્વે ફાટક પાસેની કેબીનો ઉપર ચોરટાઓએ મોબાઈલ ફોનની ચોરી કરી ભાગી ગયા હતા, આ બંને ઘટનાઓ બની તે વચ્ચેનો સમયગાળો અંદાજે એક થી દોઢ કલાક સુધીનો છે અને બંને ગામોમાં આવેલ રેલ્વે ફાટક વચ્ચેનું અંતર નજીવું છે ત્યારે આ બંને ચોરીની ઘટનાના ગુનેગારો એક જ હોવાની સંભાવનાને નકારી શકાય એમ નથી.