કોરોનાના દર્દીઓ માટે ખુશ ખબર : કોરોનાના દર્દી સ્વસ્થ થતા 28 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકશે
કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરે તો દેશમાં મૃત્યુ દર પણ ઘટી શકે
………..
ચાલો સમજીએ શુ છે પ્લાઝમા ડોનેશન?
……………….
કોઇનું જીવન બચાવવા માટે ડોક્ટર બનવાની જરૂર નથી,
તમે પ્લાઝમા ડોનેટ કરીને પણ જીવન બચાવી શકો છો.
…………………
-સંકલન- વૈશાલી પરમાર
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.12: સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને માત આપી સાજા થયેલ દર્દીઓ બ્લ્ડ ડોનેટની સાથે પ્લાઝમાં ડોનેટ કરી અન્ય દર્દીઓનો જીવ બચાવી શકે છે. ભારત સરકારના પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલયના એડિશનલ ડિરેક્ટર જનરલ ડૉ.સુનીલ ગુપ્તા દ્વારા બહાર પાડેલી માર્ગદર્શીકા અનુસાર રસીકરણ બાદ ૧૪ દિવસ પછી અને કોરોના સંક્રમિત વ્યક્તિ સ્વસ્થ થયા બદ ૨૮ પછી રક્તદાન દ્વારા પ્લાઝમા ડોનેટ કરી શકાય છે. એક કોરોના સંક્રમિત વ્યક્તિને ૨૦૦ એમેલના ૨ ડોઝની જરૂર પડે છે. આપણા દેશમાં કેટલા લોકો કોરોનાને સફળતા પુર્વક હરાવ્યું છે. જો દરેક વ્યક્તિ પ્લાઝમા ડોનેટ કરે તો મૃત્યુઆંક ઘટાડી શકાય છે.
પ્લાઝ્મા ટ્રિટમેન્ટનું નામ ભલે હાલમાં જ સાંભળ્યું હોય પરંતુ આ ઈલાજ નવો નથી. તે આશરે 130 વર્ષ જુનો એટલે કે 1890ની આસપાસ શોધાયેલી ઈલાજ પદ્ધતી છે. આ થેરાપી જર્મન ફિઝિયોલોજિસ્ટ એમિલ વોન બેહ્નિંગે શોધી હતી. આ માટે તેમને નોબેલ પારીતોષિતથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જે દવાના ક્ષેત્રે સૌથી પહેલું નોબેલ હતું.
*પ્લાઝમાં એટલે શું?*
આપણું લોહી ચાર વસ્તુથી બને છે. રેડ બ્લડ સેલ્સ, વાઈટ બ્લડ સેલ્સ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા. જેમાં પ્લાઝ્મા લોહીનો પ્રવાહી ભાગ હોય છે. જેની મદદથી જ જ્યારે શરીરને જરુર પડે ત્યારે એન્ટિબોડી બને છે. કોઇપણ વાયરસના એટેક બાદ શરીરની રોગપ્રતિકારક શક્તિ વાયરસ સામે લડવા માટે પ્લાઝ્મા દ્વારા એન્ટીબોડી બનાવે છે. જો શરીર પૂરતી માત્રામાં આવા એન્ટીબોડી બનાવી લે છે તો વાઇરસ હારી જાય છે અને દર્દી સ્વસ્થ થઇ જાય છે. જે દર્દી કોરોના સામે જલ્દી લડાઈ જીતી લે છે તેમના એન્ટીબોડીઝ વધુ શક્તિશાળી અને વધુ માત્રામાં હોવાનું સાયન્સ માને છે. વ્યક્તિ સ્વસ્થ થઈ ગયા બાદ પણ લોહીમાં આ એન્ટીબોડી રહેતા હોય છે. જેને ડોનેટ કરી શકાય છે.
કોરોના વાઇસરના સંદર્ભમાં જે પણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થાય છે તે વ્યક્તિમાં તેની ઇમ્યુનિટી સિસ્ટમમાં કોરોના વાયરસથી લડતા-લડતા શરીરમાં એન્ટીબોડી તૈયાર થઈ જાય છે. વ્યક્તિ જ્યારે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે, તેના ૨૮ દિવસ બાદ તેના શરીરમાંથી લોહીમાંથી પ્લાઝમા લઇ અન્ય કોરોના પોઝિટિવ દર્દીને તે પ્લાઝમા આપી શકાય છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. પ્લાઝમાં ડોનેટ કરવાની પ્રક્રિયામાં સ્વસ્થ થયેલા દર્દીના શરીમાંથી લોહી કાઢવામાં આવે છે. લોહીમાં હાજર એન્ટીબોડીઝ માત્ર પ્લાઝ્મામાં હોય છે.
અહી ઉલ્લેખનીય છે કે, જે પ્રમાણે બલ્ડ ડોનેટ કરવાથી કોઇ હાની થતી નથી તે જ પ્રમાણે આ પ્રક્રિયામાં કે પ્લાઝમા ડોનેટ કરવાથી જે-તે વ્યક્તિમાં કોઇ આડ-અસર કે અસ્વસ્થતા આવતી નથી.
*કોણ પ્લાઝમા ડોનેટ કરી શકે?*
કોરોનાના સંક્રમણ બાદ સાજા થયેલા વ્યક્તિ જ્યારે બ્લડ ડોનેશન દ્વારા તેમના લોહીમાંથી પ્લાઝ્મા અલગ કરવામાં આવે છે. તેમાં રહેલા એન્ટીબોડીને બીમાર દર્દીના શરીરમાં પહોંચાડવામાં આવે છે. કોરોના નેગેટિવ આવ્યાના બે સપ્તાહ બાદ કોઈપણ વ્યક્તિ પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે.
પ્લાઝમા બલ્ડ ડોનેશનની જેમ જ- જે બલ્ડ ગ્રુપ હોય તે જ બ્લડ ગૃપને આપી શકે છે.
*કેટલું પ્લાઝમાની જરૂર હોય છે?*
૧ વખતમાં ૨૫૦ એમએલ પ્લાઝમા લેવામાં આવે છે. જેમાથી ૨૦૦ એમેલના ૨ ડોઝ કોરોના સંક્રમિત વ્યક્તિને આપવામાં આવે છે. જો વ્યક્તિ વધારે ગંભીર હોય તો જ બીજો ડોઝ આપવામાં આવે છે. મોટે ભાગે એક ડોઝથી જ લોકો સારા થઇ જતા હોય છે.
*કઇ રીતે પ્લાઝમા કલેક્ટ કરવામાં આવે છે.?*
પ્લાઝમા કલેક્ટ કરવા માટે ખાસ એફેરેશીશ મશિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના મશિન હાલ મોટા શહેરોમાં ઉપલબ્ધ છે જેના કારણે ૪૮ કલાક પછી તરત પ્લાઝમાં ડોનટ કરી શકાય છે. અઠવાડીયામાં ૨ વાર અને વર્ષમાં વધુમાં વધુ કુલ ૨૪ વાર પ્લાઝમા ડોનેટ કરી શકે છે.
નાના શહેરોમાં બ્લડ ડોનેટ કર્યુ હોય તેને ખાસ ટેમ્પરેચર ઉપર રાખી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. આ બલ્ડમાંથી પ્લાઝમા અલગ કરી કોરોના સંક્રમીત દર્દીને આપવમાં આવે છે અને વધેલુ લોહી અન્ય જરૂરતમંદ દર્દીને આપવામાં આવે છે. આમ એક વખત કરેલ પ્લાઝમા ડોનેશન કે બ્લડ ડોનેશનથી એક સાથે ઘણી વ્યક્તિઓના જીવ બચાવી શકાય છે.
તાપી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે કોરોનાને માત આપી સ્વસ્થ થયેલ વધુને વધુ લોકો પ્લાઝ્મા ડોનેટ કરે તો કોરોના સામે જંગ સફળતાપુર્વક જીતી શકાય છે.
હજુ કોરોના મહામારી કાબુમાં આવી નથી. સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ સમયે ભારતમાં નવા કેસોની સાથે-સાથે રિકવરી રેટ પણ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ તમામ સ્વસ્થ થયેલા દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરે તો ભારતમાં મૃત્યુ દર ઘટી શકે તેમ છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે સાથે-સાથે પ્લાઝમાની પણ માંગ વધી રહી છે. પ્લાઝમા દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની રહ્યુ છે ત્યારે શહેરની બેંકોમાં પ્લાઝમા માટે લાઇન લાગવાની શરૂ થાય એ પહેલા આપણે જાગ્રુત નાગરિકની ફરજ નીભવી રહી. કોઇનું જીવન બચાવવા માટે ડોક્ટર બનવાની જરૂર નથી, તમે રક્તદાન/પ્લાઝમા ડોનેટ કરીને પણ જીવન બચાવી શકો છો.
0000000000000000