‘જળ શકિત અભિયાન’ની ઉજવણી અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – તાપી દ્વારા ‘જળ સંરક્ષણ’ વિષય ઉપર ઓનલાઇન તાલીમ યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે તા. ૧૧ મે ૨૦૨૧ના રોજ ‘જળ શકિત અભિયાન’ની ઉજવણી અંતર્ગત ‘જળ સંરક્ષણ’ વિષય ઉપર ઓનલાઇન તાલીમ યોજવામાં આવી હતી. જેમાં કુલ ૩૦ ખેડુતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આજની તાલીમના મુખ્ય મહેમાનશ્રી અને મા. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન.કૃ.યુ ,નવસારીના ડો. સી. કે. ટીંબાડીયાએ જણાવ્યુ હતું કે કે.વી.કે વ્યારા ખુબ અંતરીયાળ ગામના ખેડુતોને પણ ઓનલાઇન માધ્યમ વડે માહિતગાર કરી રહ્યુ છે. તેઓએ દૈનિક જીવનમાં પાણીનો ખુબજ કરકસર પુર્વક ઉપયોગ કરવા જણાવ્યુ હતું. તેઓએ ખેતી કાર્યમાં પાક ઉત્પાદન સાથે પાણી બચાવવા તરફ પણ વિચારશીલ બનવા કહ્યુ હતું. તેઓએ જણાવ્યુ હતું કે ડાંગરની ખેતીમાં એક કીલો ચોખાના ઉત્પાદન માટે અત્યારે આપણે ૩૫૦૦ લીટર પાણી વાપરી રહ્યા છે. હવે જો આપણે પાણીનું સંરક્ષણ નહી કરીયે તો આવતી પેઢી માટે મુશ્કેલરુપ પરિસ્થિતિનું નિર્માણ થશે.
કે.વી.કે.ના વડા ડો. સી. ડી. પંડ્યાએ તાલીમનો હેતુ સમજાવતા જણાવ્યુ હતું કે, જળની જીવનના દરેક તબક્કામાં જરુર પડે છે. વરસાદના પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો આ પાણી પાકને કટોકટી અવસ્થાએ આપી શકાય છે અને પાકને આપણે બચાવી શકીએ છીએ તેમજ ઉત્પાદન પણ વધારી શકીએ છીએ. તાપી જીલ્લામાં પિયતની સગવડ ૪૦ ટકા હોઇ જળ સંરક્ષણનું મહત્વ સમજીને ખેતી પાકો લેવા જોઇએ. આ માટે ખેડુત મિત્રોને કે.વી.કે. માંથી માર્ગદર્શન મેળવવા હાંકલ કરી હતી.
કે.વી.કે.ના પાક ઉત્પાદનના વૈજ્ઞાનિક પ્રો.કે.એન.રણા એ સુક્ષ્મ પિયત પધ્ધતિ જેવીકે ટપક પધ્ધતિ, ફુવારા પધ્ધતિ, વગેરેના ઉપયોગ વિશે વિસ્તૃતમાં સમજણ આપી હતી. તેઓએ સુક્ષ્મ પિયત પધ્ધતિ પાણીનો બચાવ કરવા સાથે ખેતી ખર્ચ ઘટાડનાર અને ઉત્પાદન વધારનાર ગણાવી હતી. ડો. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ)એ ભુગર્ભજળનું મહત્વ સમજાવી તેના ઘટતા જતા સ્તરને રોકવા માટે વરસાદી પાણીને સંગ્રહ કરવાની પધ્ધતિ વિસ્તૃતમાં સમજાવી હતી.
સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન્ ડો.એ. જે. ઢોડિયા દ્વ્રારા અને આભારવિધી પ્રો. કે. એન. રણા દ્વારા કરવામાં આવી હતી.