‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ મહાઝુંબેશ હેઠળ આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાપી જિલ્લાના વિવિધ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી
વહિવટી તંત્ર, તબીબો અને જન-ભાગીદારીના સહિયારા પ્રયાસોથી છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસો ઘટ્યા છે: મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા
………..
કોરોનાની લહેર વિરાટ સ્વરૂપ લઇને આવી છે ત્યારે સૌએ સાવચેતી
રાખવી જરૂરી: આદિજાતિ મંત્રીશ્રી
…………
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : 11: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોનાથી ગામડાઓને બચાવવા ‘મારૂં ગામ, કોરોના મુક્ત ગામ’ મહાઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન માત્ર પ્રયાસ નથી મહા-જનઅભિયાન છે. જેમાં જનશક્તિના સહયોગથી કોરોનાને જડમૂળથી સમાપ્ત કરવા દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંક્લ્પ સાથે આજરોજ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાપી જિલ્લાના વિવિધ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં બેડકુવાદુર આઈસોલેશન સેન્ટર, ડોલવણ આઈસોલેશન સેન્ટર, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા દ્વારા બુહારીમાં શરૂ કરવામાં આવેલ કોવિડ-19 સેન્ટર, વાલોડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, બુટવાડા આઈસોલેશન સેન્ટર અને વ્યારા સ્થિત રેફરલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડ-19ને અનુલક્ષીને વિવિધ ગ્રામ્ય કક્ષાની સમિતિ સાથે ચર્ચાઓ કરી હતી.
મંત્રીશ્રીએ વિવિધ સેન્ટરોની રૂબરૂ મુલાકાત લિ જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. કોવિડ-19 મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારી સામે આખુ વિશ્વ ઝઝુમી રહ્યું છે ત્યારે આપણો દેશ પણ એમાથી બાકત નથી. આ સમયે ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. તાપી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ, રાત-દિવસ ખડે-પગે કામ કરતા ડોક્ટર-નર્સ અને વહિવટી તંત્ર તથા અન્ય વિભાગો સાથે પ્રજાના સહયોગના કારણે કોરોના ના કેસો ઘટી રહ્યા છે. કોરોના સંક્રમણની બીજી લહેરમાં દેશમાં 4 લાખ જેટલા કેસો નોંધાઈ રહ્યા છે અને રાજ્યમાં પણ કોરોનાના કેસો વધ્યા છે. પરંતુ રાજ્યમાં છેલ્લા સાત-આઠ દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં ક્રમશ: ઘટાડો નોંધાયો છે. આ સફળતા પાછળ વહિવટી તંત્રના પ્રયાસો તો છે જ પરંતુ આરોગ્ય સેવાઓ, તબીબો, લોક સહયોગના સહિયારા પ્રયાસો પણ ખુબ જ મહત્વ ધરાવે છે.’
રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર કોરોના સંદર્ભે સારી સારવાર આપી કઈ રીતે વધુમાં વધુ દર્દીઓને રિકવર કરી શકાય તે દિશામાં કામ કરી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તથા અન્ય રાજ્યની સરખામણીમાં આપણા રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે માટે કોરોનાને ઝડપથી નિયંત્રિત કરવા સઘન આયોજન હાથ ધરવા બબતે જિલ્લા વહિવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, કલેકટર આર.જે.હાલાણી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ, પક્ષપ્રમુખ જયરામભાઇ ગામિત, પ્રાંત અધિકારી હિતેશ જોશી, મામલતદાર-ટી.ડી.ઓ, તબીબો સહિત સબંધિત અધિકારી-પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦