મહારાષ્ટ્રનાં નવાપુર તાલુકામાંથી ચાર લાખ રૂપિયાના અવૈદ્ય લાકડા ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવાપુર મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાનાં નવાપૂર તાલુકાના વડકળંબી અને ભામરમાળ વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓએ રેડ કરતાં અવૈદ્ય સાગ, સિસમ તેમજ અન્ય જાતિના લાકડા અને રંધા મશીન મકાનમાં મળી આવ્યા હતાં. વન વિભાગની પંચનામા કરી ગુનો દાખલ કરવાની કામગીરી આ લખાય રહ્યુ છે ત્યાં સુધી ચાલી રહી છે.
નંદુરબાર જિલ્લાનાં વન વિભાગાના સબ ડીએફઓ ગણેશ રણદિવે અને નવાપુર વિસ્તારના આરએફઓ પ્રથમેશ હાડપેને મળેલ ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરતા મોટા પ્રમાણમાં અવૈદ્ય લાકડા અને રંધા મશીન મળી આવ્યા હતાં. અંદાજે ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. નવાપુર તાલુકાના ભામરમાળ ગામના શેગા રેશમા ગાવિત અને વડકળંબી ગામના યશવંત ગોમા ગાવિત નામના વ્યક્તિઓના મકાનમાં અવૈદ્ય રીતે લાકડાનું કટીંગ અને વેચાણનો કારભાર ચાલી રહ્યો હતો. આ બાબતે ગુપ્ત માહિતી વન વિભાગના અધિકારી ગણેશ રણદિવેને મળતાં કાર્યવાહી કરવામાં આવી છે.
ભામરમાળ ગામના શેગા રેશમા ગાવિતના મકાનમાં ત્રણ દરવાજા, બોક્સ પલંગ, રંધા મશીન સહિત અન્ય સાધન સામગ્રી તથા યશવંત ગોમા ગાવિતના મકાનમાં પ્રતિબંધિત સાગ, સિસમ અને રંધા મશીન તથા અન્ય ઈમારતી લાકડાં મળી આવ્યા હતાં. વન વિભાગના અધિકારી ગણેશ રણદિવે અને પ્રથમેશ હાડપેએ ગુનો દાખલ કરવાની કામગીરી મોડીરાત સુધી ચાલી રહી છે. મહારાષ્ટ્ર વન વિભાગની દરોડા પાડવાની કાર્યવાહી સતત ચાલી રહી છે જેને પગલે લાકડાચોરોમાં ફફડાટ ફેલાયો છે.