રાજ્યમાં બીજા નંબરે તાપી જિલ્લાની પીસીઆર લેબોરેટરી
વ્યારા ખાતે કોવિડ ૧૯ ટેસ્ટ માટે સાંસદ અને જિલ્લા વહીવટી તંત્રની ઉત્કૃષ્ટ કામગીરી. લેબોરેટરીમાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ કોરોના સેમ્પલના ટેસ્ટ કરાયા..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૦૮- કોરોના વાઈરસ સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહયું છે. હાલમાં આપણાં ભારત દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. ત્યારે કોરોનાને નાથવા માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર કોરોનાની ગંભીર પરિસ્થિતિની સતત સમીક્ષા કરીને કોરોના ને હરાવવા પ્રતિબધ્ધ છે. જિલ્લામાં જનજાગૃતિ, વેક્સિનેશન,કોવિડ કેર સેન્ટરો,આઈસોલેશન સેન્ટરો કાર્યરત કરીને આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન અનુસરવામાં આવે છે.
તાપી જિલ્લામાં કોરોનાના કહેરને નાબુદ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારૂ કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓના સેમ્પલ લઇ RTPCR ટેસ્ટ કરાવવા અત્યારસુધી સુરત મોકલવામાં આવતા હતા. જેથી અંતરિયાળ વિસ્તારના લોકોના ટેસ્ટની સમસ્યા નિવારવા સાંસદ શ્રી પ્રભુભાઈ એન.વસાવાએ ખૂબ જ ટૂંકા ગાળામાં તાપી જિલ્લામાં જ લેબોરેટરી શરૂ કરવા જહેમત ઉઠાવી. જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણી ના માર્ગદર્શન હેઠળ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ૨૪ X ૭ લેબોરેટરી શરૂ થઇ ગઇ છે.
જનરલ હોસ્પિટલના ઈ.ચા. સિવિલ સર્જન ડો.નૈતિક ચૌધરીએ આરોગ્ય સેવામાં વધારો થતા ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીં ICMR ના નિયમ મુજબ લેબ શરૂ થતા હવે અમારે સેમ્પલ સુરત નહીં મોકલવા પડે. દરરોજ ૨૫૦ થી ૩૦૦ જેટલા ટેસ્ટ વ્યારા ખાતે જ કરીને એક જ દિવસમાં કોવિડ ના લક્ષણો હોય તે જાણી શકાય છે.
માઈક્રોબાયોલોજીસ્ટ ડો.ચિરાગ ઘોઘારીએ જણાવ્યું હતું કે આ લેબોરેટરી શરૂ થતા અત્યાર સુધીમાં ૨૦૦૦ જેટલા ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જે આપણાં માટે ખુશીના સમાચાર છે. તાપી જિલ્લો જિલ્લા ખાતેની લેબોરેટરીમાં ગુજરાત ખાતે બીજા નંબરે છે.
ડો.મેહુલ પટેલે કહયું હતું કે ICMR ની મંજૂરી આપણને ઝડપથી મળી ગઇ જેથી આપણે લેબોરેટરી સત્વરે ચાલુ કરી શક્યા છીએ.હાલમાં કુલ ૧૯ જેટલા લેબ ટેકનિશ્યનો,લેબ આસીસ્ટન્ટ-૪ અને ડેટા એન્ટ્રી ઓપરેટરો કુલ-૪ બે શિફ્ટમાં દિન-રાત ફરજ બજાવી ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી રહ્યા છે.
૦૦૦૦૦૦૦