વાલોડ તાલુકાના વિરપોર ખાતે નિઃશુલ્ક નમો કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

Contact News Publisher

સગવડ, સુવિધા અને સારવાર માટે આ વિસ્તારના લોકોને હવે શહેર સુધી જવુ નહીં પડે. – સી.આર.પાટીલ..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :  તા.૨૯ – તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વિરપોર (બુહારી) ખાતે આજરોજ ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની પ્રેરણાથી તેમજ માનવ કલ્યાણ ટ્રસ્ટ(બલ્લુકાકા સંકુલ) ના સૌજન્ય અને તાપી જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી નિઃશુલ્ક “નમો કોવિડ કેર સેન્ટર”નો પ્રારંભ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે “નમો કોવિડ કેર સેન્ટર”ને ખુલ્લુ મુકતા જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં કોરોના સંક્રમિત લોકોને સ્થાનિક સ્તરે સઘન સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા સ્વૈચ્છિક સેવાભાવી અને સામાજીક સંસ્થાઓના સહયોગથી કોવિડ ૧૯ સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે ત્યારે આ વિસ્તારના લોકોને અહીં જ સગવડ,સુવિધા અને સારવાર મળી રહે તેવો અમારો પ્રયાસ છે. આ કોવિડ કેર સેન્ટર શરૂ થતા હવે લોકોને શહેરો સુધી દોડવુ નહીં પડે. ૧૦૦ બેડની સુવિધા મળી રહેશે. ઓક્સિજન સાથે ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સહિત સંસ્થાની કામગીરીને પાટીલે બિરદાવી હતી. તેમજ જિલ્લામાં વેક્સિનેશન કામગીરીને વેગ આપવા પણ સૂચન કર્યું હતું.
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ પ્રેરણા આપતા જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારમાં લોકોને ઘર-આંગણે જ સુવિધા મળી રહે તે માટે અમોએ આ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે. આથી કોરોના સંક્રમિતોને સ્થાનિક સારવાર મળશે જેથી હવે લોકોએ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.
કલેકટર આર.જે.હાલાણીએ વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા હાથ ધરવામાં આવેલ કામગીરીની જાણકારી આપતા જણાવ્યું હતું કે જિલ્લાના તમામ તાલુકાઓના ગામડાઓમાં વધુને વધુ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સરપંચ,તલાટી,શિક્ષકો અને સ્થાનિક આગેવાનોની મદદ લઇને સંપૂર્ણ ગામ વેક્સિનેશન કામગીરીમાં સો ટકા સિધ્ધિ હાંસલ કરે તેવા વહીવટીતંત્રના પ્રયાસો છે. કોરોનાથી મુક્ત કરવા માટે લોકોને કોઈ પણ જાતના ભય વગર કોરોના ટેસ્ટ કરાવવા અને વેક્સિનની રસી લેવા અનુરોધ કર્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ૫૦ બેડની સુવિધા શરૂ કરવામાં આવી છે. ૧૫ ઓક્સિજન બેડ, સાથે ૧૦૦ બેડની વ્યવસ્થા કરી શકાશે. આ કોવિડ કેર સેન્ટરમાં બે એમ.બી.બી.એસ. ડોકટરો,નર્સિંગ સ્ટાફ-૬ સાથે સંસ્થા તરફથી વર્ગ-૪ના ૧૫ જેટલા કર્મચારીઓને કોવિડની કામગીરી માટે તાલીમબધ્ધ કરાયા છે. રહેવા જમવાની સુવિધા માનવ કલ્યાણ ટ્રસ્ટ તરફથી પુરી પાડવામાં આવી છે.
“નમો કોવિડ કેર સેન્ટર” ના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ પરભુભાઈ વસાવા,સીન્ડીકેટ મેમ્બર ડો.જયરામભાઈ ગામીત,તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા,સંદિપભાઈ દેસાઈ વાલોડ મામલતદાર અભિષેક સિંહા,સત્યજીતભાઈ દેસાઈ,ઉદયભાઈ દેસાઈ,માનસિંગભાઈ પટેલ,ડો.કે.ટી.ચૌધરી, ડોકટરો,આરોગ્ય વિભાગનો સ્ટાફ સહિત બુહારીના અગ્રણીઓ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other