સુરતની નવી સિવિલ ખાતે સારવાર લઈ ભરૂચ જિલ્લાના રૂંધા ગામના સગર્ભા ગૃહિણીએ ૧૭ દિવસના અંતે કોરોનાને આપી મ્હાત  

Contact News Publisher

સાત દિવસ બાયપેપ અને ત્રણ દિવસ ઓક્સિજન પર સઘન સારવાર અપાઈ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કોરોનાના કહેર વચ્ચે અનેક દર્દીઓ મોટી સંખ્યામાં કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈ રહ્યા છે, સુરતના બહારના જિલ્લામાંથી પણ દર્દીઓ નવી સિવિલમાં સારવાર લેવા આવે છે, ત્યારે આજે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રૂંધા ગામના છ મહિનાના સગર્ભા મહિલા પ્રફુલાબેન ચંદ્રેશકુમાર ચૌધરીએ રહેતા અને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈને કોરોનાને મ્હાત આપી હતી.
૨૬ વર્ષીય પ્રફુલાબહેને જણાવ્યું કે, તા.૧૧મી એપ્રિલના રોજ શરદી, ખાંસીના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો. હોમ આઈસોલેશન થયા બાદ તબિયત વધુ બગડતા તા.૧૪મીના રોજ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કહે છે કે, મને મારા કરતા મારા ઉદરમાં ઉછરી રહેલા ગર્ભસ્થ શિશુની વધુ ચિંતા હતી. પરંતુ સિવિલના તબીબોની મહેનતના કારણે આજે હું બિલકુલ સ્વસ્થ થઈને ઘરે જઈ રહી છું. શરૂઆતમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૦ ટકાથી નીચે ગયું હતું. સિવિલમાં સાત દિવસ બાયપેપ પર રાખવામાં આવ્યા હતા. ત્રણ દિવસ NRBM-નોન રિબ્રીધર માસ્ક-ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. આજે સ્વસ્થ થતા ૧૭ દિવસ બાદ મને રજા આપવામાં આવી છે.
હોસ્પિટલનો માયાળુ સ્ટાફ સમયસર દવા અને ઘર જેવું ભોજન પૂરું પાડતા હતા. હું સિવિલ હોસ્પિટલની, મેડિકલ સ્ટાફની, ડોકટરોની આભારી છું કે તેમણે મને આટલી ઉત્તમ સેવા સારવાર આપી છે. અમારા જેવા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પણ તાત્કાલિક અને ઉમદા સારવાર મળી છે એમ પ્રફુલાબેન જણાવે છે.
ડો.રાજીવ પંડયા, ડો.નિલમ પરમાર અને ડો.કલગી ગાંધીએ જહેમતભરી સારવાર આપીને પ્રફુ્લાબેનને સ્વસ્થ કર્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other