તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એક નવીન પહેલ
કોવિદ રસીની સાચી માહિતીની આપ-લે કરવામાં ભાષા ક્યાંય બાધરૂપ ના બને તેવા હેતુ સાથે સ્થાનિક ભાષામાં રસીકરણ બાબતે જાગૃતતા કેળવવાનો પ્રયાસ
સ્થાનિક લોકો સાથે સ્થાનિક ભાષામાં રસીકરણ બાબતે જાગૃતતા કેળવતા ફ્રન્ટલાઇનર્સ
– સંકલન-વૈશાલી પરમાર
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): તા.૨૮: ગુજરાત રાજ્યમાં હાલ ચાલી રહેલી નોવેલ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા તથા સ્વદેશી રસી બાબતે જાગૃત્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરેક જિલ્લો પોતાના સ્થાનિક લોકોની જીવનશૈલી અને માનસિકતા અનુસાર વિવિધ રીતે રસીકરણ બાબતે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એક નવિન પહેલ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક ભાષામાં સ્થાનિક લોકો દ્વારા રસીકરણ બાબતે જાગૃતતા લાવવામાં આવી રહી છે આ સાથે સ્થાનિક ભાષાના આવા સુંદર વિચારોના વિડિયો ક્લિપ સોશ્યલ મીડીયામાં મુકી છેવાડાના નાગરિક સુધી રસીની મહત્તાનો સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે.
તાપી જિલ્લામાં ૮ લાખથી વધુની વસ્તી છે જેમાં મુખ્ય વસ્તી આદિવાસી છે. એક તરફ મહારાષ્ટ્ર રાજ્ય તો બીજી તરફ નવસારી, ડાંગ, સુરત અને નર્મદા જિલ્લો હોવાથી અહી ગામે-ગામે અલગ અલગ ભાષા અને સંસ્કૃતિ જોવા મળે છે. વિશ્વ વ્યાપી કોરોના વાઇરસની મહામારીની અસરમાંથી તાપી જિલ્લો પણ બાકત નથી. આવા સમયે આપણા વૈજ્ઞાનિકો અને ડોકટરોની મહેનત દ્વારા કોરોના પ્રતિરોધક રસી-કોવિશિલ્ડ અને કોવેક્શિનની શોધ જીવનદાયીની સમાન ઉભરી આવી છે. પરંતું સમાજમાં કેટલાક અસામાજીક તત્વો, અજ્ઞાનતા અને પ્રવર્તમાન ખોટી માન્યતા-અફવાઓના કારણે લોકો દ્વારા રસીકરણ કરાવવામાં જોઈએ તેવો ઉત્સાહ જોવા મળતો નથી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “ગામનો કોઇ પણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસી લેવાથી બકાત ન રહી જાય” તેવા આહવાન સાથે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ઝુંબેશ ઉપાડીને કામગીરી ચાલી રહીછે. ત્યારે તાપી જિલ્લામાં કોરોના વોરીયરસ કહેવાતા આપણા ફ્રન્ટલાઇનર હીરોઝ ગામે-ગામ જઇ લોકોને સ્થાનિક ભાષામાં રસીકરણ બાબતે લોક જાગૃતિ કેળવી રહ્યા છે.
તાપી કલેકટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લાને સંપૂર્ણપણે કોરોનાથી સુરક્ષિત બનાવવા હેતુથી આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગો પણ દિવસ-રાતની ચિંતા કર્યા વગર કર્મયોગ કરી રહ્યા છે. જેમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા માટે સ્થાનિક લોકોની જ મદદ લઇ રહ્યા છે. જેથી કોરોના રસીના મહત્વ અંગે માહિતીની આપ-લે કરવામાં ભાષા ક્યાંય બાધરૂપ ના બને. આ સાથે સ્થાનિક ભાષામાં રસીકરણ માટેના હકારાત્મક સંદેશ વાળા સુંદર વિચાર ધરાવતા વિડિયોની ક્લિપ બનાવી સોશિયલ મિડિયામાં મુકવામાં આવી રહી છે. જેથી અન્ય લોકો પણ રસીકરણ બાબતે પ્રેરણા લઇ રહ્યા છે. આવા વિડિયો તાપી જિલ્લામાં લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.
અહી તાપી જિલ્લાના ડોલવાણ તાલુકાના કરંજખેડ પ્રાથમિક શાળાના ધોરણ 6 નો વિદ્યાર્થી યથાર્થ કોકણી દ્વારા કોકણી ભાષામાં કોરોનાની બીમારી બાબતે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળાવવા બાબતે સુંદર સંદેશ પાઠવવામાં આવ્યો છે. આ સિવાય તાલુકાના પંચોલ ગામના સરપંચ તથા વડિલ દાદી દ્વારા પોતે કોરોના પ્રતિરોધક રસી લીધી છે અને સૌ એ રસી લેવી જોઇએ અંગેના વિડિયો ક્લિપ તાપી જિલ્લામાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
જયારે સાચી ભાવનાથી નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયાસ કરવામાં આવે છે ત્યારે લોકોનો સાથ જરૂર મળે છે આ વાક્ય તાપીવાસીઓ માટે સુયોગ્ય સાબિત થઇ રહ્યું છે. તાપી જિલ્લામાં કોરોનાની જંગમાં પ્રસાશન સાથે ગ્રામજનો અડિખમ ઉભા થઇ ગયા છે. ત્યારે એક પ્રખ્યાત ફીલ્મના ડાયલોગને અહીં તાપી જિલ્લાના દ્રષ્ટીકોણથી મુકીએ તો ખોટું ના કહેવાય: “અબ તેરા ક્યા હોગા કોરોના ?”
૦૦૦૦૦૦૦